ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા(આઇસીએઆઇ)ની ડબલ્યુઆઇઆરસીની અમદાવાદ બાંચ દ્વારા શહેરમાં સરદાર પટેલ મેમોરિયલ, યુનિવર્સિટી કન્વેન્શન હોલ, હેલ્મેટ સર્કલ ખાતે આજથી બી ધ ચેન્જ વિષય પર બે દિવસીય મેગા સમીટની આજથી શરૂઆત થઇ છે. જો કે, દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભાજપના દિગ્ગજ નેતા ડો.સુબ્રમણ્યન સ્વામી આવતીકાલે આ મેગા સમીટને લઇ ખાસ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. નોંધનીય વાત એ છે કે, દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને રાજયસભા સાંસદ ડો.સુબ્રમણ્યન સ્વામી દ્વારા આ મેગા સમીટમાં ભારતીય અર્થતંત્ર, તેના પડકારો અને આગળના રસ્તા વિષય પર મુખ્ય પ્રવચન આપનાર છે. ડો.સ્વામીને સાંભળવા માટે સીએ ફેકલ્ટી ભારે ઉત્સાહિત છે.
દેશભરમાંથી અંદાજે ૧૧૦૦થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ મેગા સમીટમાં ભાગ લઇ રહ્યા છે. દરમ્યાન આ અંગે આઇસીએઆઇની અમદાવાદ બ્રાંચના ચેરમેન સીએ ચિંતન પટેલે જણાવ્યું હતુ કે,દેશના પ્રખર અર્થશાસ્ત્રી ડો.સુબ્રમણ્યન સ્વામી દેશમાં હાલ પ્રવર્તમાન અર્થતંત્રની સ્થિતિ, તેની સામેના પડકારો અને હવે આગળના શું વિકલ્પો અને અર્થતંત્રને વધુ સુદ્રઢ કેવી રીતે બનાવી શકાય તે સહિતના તમામ મુદ્દાઓ અને પાસાઓને આવરી લેતું ખાસ પ્રવચન સીએ ફેકલ્ટીને આપવાના છે. ડો.સ્વામીનું આ વિશેષ પ્રવચન દેશભરમાંથી આવેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે. અમદાવાદ બ્રાંચ દ્વારા વર્ષે એક નવી માહિતી અને જ્ઞાનસભર સેમીનાર સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફેકલ્ટીને સમૃધ્ધ અને માર્ગદર્શિત કરવાના ઉમદા આશયથી બી ધ ચેન્જ વિષય પરની આ મેગા સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલી આ મેગા સમીટમાં રિસન્ટ ચેન્જીસ ઇન ઇન્ટરનેશનલ ટેક્સેશન, ટેક્સ પ્લાનીંગ, સિનારીયો ઓફ કોલેપ્સ ઓફ બેંકીંગ સીક્રેસી એન્ડ ટેક્સ હેવન્સ, ચેન્જીસ ઇન ફેમા એન્ડ જયુડીશીયલ ટ્રેન્ડ્સ, ઓડિટ ડોકયુમેન્ટેશન, જીએસટી- કેસ સ્ટડીઝ એન્ડ બર્નીંગ ઇશ્યુઝ ઇન ઇનપુટ ટેક્સ ક્રેડિટ એન્ડ કલાસીફિકેશન, બીઝનેસ ટ્રાન્સફોર્મેશન એન્ડ ઇન્ટીગ્રેટેડ રિપોર્ટીંગ, ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ આઉટલુક, ધી કોન્સ્ટીટયુશન, ફેડરીલીઝમ એન્ડ જીએસટી, એનાલિસીસ ઓફ બેનામી ટ્રાન્ઝેકશન સહિતના ખૂબ જ મહત્વના અને ઉપયોગી વિષયોને સમીટમાં આવરી લેવાયા છે, જેની પર નિષ્ણાત તજજ્ઞ મહાનુભાવોએ પોતાના વ્યાખ્યાન-પ્રવચનનો લાભ આપ્યો છે. જેમાં સૌથી અગત્યનું મુખ્ય પ્રવચન આવતીકાલે દેશના જાણીતા અર્થશાસ્ત્રી અને રાજયસભા સાંસદ ડો.સુબ્રમણ્યન સ્વામી ભારતીય અર્થતંત્ર અને તેના પડકારો વિષય પર આપશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ દિગ્ગજ નેતા, પ્રખર અર્થશાસ્ત્રી સુબ્રમણ્યન સ્વામીની જાહેરહિતની રિટ અરજીને પગલે જ દેશના સૌથી મોટા ટુ જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સીબીઆઇ તપાસ સોંપાઇ હતી અને કેન્દ્રીય પ્રધાનો એ. રાજા, કનીમોઝી સહિતના મોટા માથાઓ વિરૂધ્ધ કેસ ચાલી ગયો હતો. જો કે, તાજેતરમાં ટ્રાયલ કોર્ટે આ તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકયા હતા.