ગુજરાત હાઇકોર્ટ સહિત રાજયના ૨૫૩ જેટલા વિવિધ બાર એસોસીએશનો(વકીલમંડળો)ની ચૂંટણી આજે અત્યંત રસાકસી અને ઉત્તેજનાભર્યા માહોલ વચ્ચે સંપન્ન થઇ હતી. વકીલોએ ભારે ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જો કે, રાજયના કેટલાક બાર એસોસીએશનોમાં વકીલોએ મતદાનમાં ઉદાસીનતા દાખવી હોવાનું પણ સામે આવ્યું હતું. જો કે, રાજયના તમામ વકીલમંડળોની ચૂંટણી ભારે રસાકસીભર્યા અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાઇ હતી.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ તરીકે એડવોકેટ અસીમ પંડયા અને ઉપપ્રમુખ તરીકે એડવોકેટ સમીર દવે બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. તો, અમદાવાદ બાર એસોસીએશનમાં સિનિયર એડવોકેટ વિનોદ ડી.ગજજર સેક્રેટરી પદે બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા સુધારેલ નિયમો મુજબ, ગુજરાતમાં આજે તમામ વકીલમંડળોની ચૂંટણી એકસાથે એક જ દિવસે યોજાઇ હતી. વહેલી સવારથી જ વકીલ ઉમેદવારો અને મતદારોમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળતો હતો. રાજયના સૌથી મોટા બાર એસોસીએશન એવા ફોજદારી કોર્ટના અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનમાં ૩૯૦૦ વકીલ મતદારો પૈકી ૨૪૮૬ મતદારોએ મતદાન કર્યું હતું. તો, મીરઝાપુર કોર્ટમાં અમદાવાદ ગ્રામ્ય બાર એસોસીએશનમાં ૧૦૮૨ વકીલ મતદારો પૈકી ૯૨૩ મતદારોએ મતદાન કર્યું હતું. આ જ પ્રકારે સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના અમદાવાદ બાર એસોસીએશનમાં કુલ ૧૪૬૫ વકીલ મતદારો પૈકી ૧૦૩૭ વકીલ મતદારોએ મતદાન કર્યું હતું. અમદાવાદ બાર એસોસીએશનના સેક્રેટરી તરીકે વિનોદ ગજજર એક માત્ર બિનહરીફ ચૂંટાયા હતા. દરમ્યાન ગુજરાત કો.ઓ. બાર એસોસીએશના મેનેજ તરૂણ ઠક્કરે જણાવ્યું હતું કે, ગુજરાત કો ઓપરેટીવ બાર એસોસીએશનમાં મોટાભાગના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જેમાં પ્રમુખ તરીકે હિતેન્દ્ર રમણલાલ શાહ, ઉપપ્રમુખ તરીકે આશિષ ઇન્દુલાલ શાહ, સેક્રેટરી તરીકે ઇન્દ્રજીતસિંહ જાડેજા, જોઇન્ટ સેક્રેટરી તરીકે કમલેશ પટેલ અને કમીટી મેમ્બરોમાં ધીરજલાલ એ.ઠક્કર, અક્ષય ત્રિવેદી, અજીતસિંહ ગઢવી, શૈલેષ ગજજર, ભરત કે.મહેતા અને વૈશાલીબહેન પટેલ, સુનીલકુમાર ભટ્ટ ચૂંટાઇ આવ્યા હતા. આ વખતની વકીલ મંડળોની ચૂંટણીમાં સૌપ્રથમવાર વન બાર વન વોટ નિયમ મુજબ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. મોડી સાંજે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના સેક્રેટરી તરીકે પૃથ્વીસિંહ જાડેજા, જોઇન્ટ સેક્રેટરી તરીકે હાર્દિક બ્રહ્મભટ્ટ અને ખજાનચી તરીકે હુકમસિંગ ચૂંટાઇ આવ્યા હતા.