ભાવનગરની સરકારી મેડિકલ કૉલેજના સભાગૃહ ખાતે રાજ્યના મહિલા અને બાળકલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ અને ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ – કિસાન) યોજનાના લોકાર્પણ કાર્યક્રમના જીવંત પ્રસારણનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં જિલ્લાભરના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે વિભાવરીબેન દવેએ ઉપસ્થિત ખેડૂતો અને પદાધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, એક સમયે ખેડૂતોએ ૧૨થી ૧૫ ટકાના દરે વ્યાજે ધિરાણ લેવું પડતું હતું. જેની સામે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(પીએમ – કિશાન) યોજના અંતર્ગત ૨ હેક્ટરથી ઓછી જમીન ધરાવતાં નાના અને સીમાંત ખેડૂતોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ હપ્તામાં વર્ષે કુલ ૬૦૦૦/- રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો મૂળ હેતુ ખેડૂતોને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરાવવાનો અને તેમને સુનિશ્ચિત આવક આપવાનો હોવાનું ઉમેર્યું હતું. રાજ્યના કુલ આશરે ૪૯ લાખ નોંધાયેલા ખેડૂતોની સામે ૪૬.૨૯ લાખ ખેડૂતોની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઇન નોંધણી થઈ ચૂકી છે. જે પૈકી ભાવનગર જિલ્લા વહીવટીતંત્રને મળેલી કુલ ૧,૫૫,૬૦૮ ઓનલાઇન અરજીમાંથી ચકાસણી બાદ કુલ ૧,૫૧,૯૧૮ ખેડૂતોને પ્રથમ હ્પ્તાપેટે રૂ.૨૦૦૦/- લેખે રૂ. ૩૦.૩૮ કરોડ જેટલી રકમ તેમના બેંક ખાતામાં ચૂકવાઈ હતી. આ તકે જિ.પં. પ્રમુખ વક્તુબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી ઉમેશ શુક્લ, જિલ્લા ખેતીવાડી અધિકારી કોસંબી, શહેર મામલતદાર વિજયાબેન પરમાર, તાલુકા મામલતદાર કમલેશ સંપટ ઉપરાંત બહોળી સંખ્યામાં ખેડૂતો તેમજ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.