કાર્નિવલ દરમિયાન ૧૦૦ મહિલા પોલીસ ફરજ પર

725
GUJ23122017-6.jpg

આગામી સોમવાર અને ૨૫મી ડિસેમ્બરથી શહેરના કાંરીયા ખાતે શરૂ થનારા સાત દિવસના કાર્નિવલને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની યોજનાને  અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.આ યોજનમાં ૧૦૦ જેટલા મહિલા પોલીસ કર્મીઓ જિન્સ અને ટી-શર્ટમાં ફરજ બજાવશે આ સાથે જ ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરા સ્ટ્રેટેજીક લોકેશન ઉપર મુકવામા આવશે આ ઉપરાંત એન્ટી પીક પોકેટીંગ સ્કવોર્ડ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ,સોમવારથી શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરીયા ખાતે કાર્નિવલનો આરંભ કરવામા આવનાર છે આ અગાઉ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે અત્યારથી જ તેને લગતી તમામ તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે.આ વર્ષે સુરક્ષાને લઈને કરવામા આવેલા નિર્ણયોમાં ૧૦૦ જેટલા મહિલા પોલીસ કર્મચારીઓ તેમના ડ્રેસને બદલે જિન્સ અને ટી-શર્ટમાં ફરજ બજાવશે જેથી રોમીયોગીરી કરનારાઓને સરળતાથી પકડી લઈ શકાય.આ ઉપરાંત  ૧૦ જેટલી એન્ટિ રોમીયો સ્કવોર્ડ પણ કાર્યરત કરવામાં આવનાર છે.કાંકરીયા કાર્નિવલ દરમિયાન ૧૦૦ જેટલા અલગ અલગ સ્ટ્રેટેજીક લોકેશનો ઉપર સીસીટીવી કેમેરા પણ કાર્યરત કરવામાં આવનાર છે.બીજી તરફ જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓની મદદ માટે છ જેટલા વોચ ટાવર પણ ઉભા કરવામાં આવનાર છે.આ વર્ષે બંદોબસ્ત માટે જે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે એમાં ૫૦ વર્ષથી ઉપરની વય ધરાવતા પોલીસ કર્મચારીઓને ફરજ ઉપર ન મુકવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.કાંકરીયા કાર્નિવલમાં દર વર્ષે લાખ્ખોની સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે.
 આ પરિસ્થિતિમાં પોકેટમારો વધુ સક્રીય બની ભીડનો લાભ ઉઠાવતા હોય છે આવા પોકેટમારોને પકડી લેવા માટે આ વર્ષે ૧૦ જેટલી એન્ટિ પીક પોકેટીંગ સ્કવોર્ડ પણ કાર્યરત કરવામાં આવનાર છે.પોલીસ સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર,એક એડીશનલ સીપીથી લઈને ૨૦૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ, ક્રાઈમબ્રાંચ, એસ.ઓ.જી. ટીમની સાથે બોંબ ડીસ્પોઝલ સ્કવોર્ડ પણ આ વર્ષે બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવનાર છે. કાંકરીયા કાર્નિવલને હેરીટેજ થીમની સાથે આવરી લેવાશે અમદાવાદ શહેરને આ વર્ષે જુન માસમાં પોલેન્ડ ખાતે યોજાયેલી યુનેસ્કોની હેરીટેજ કમિટીની બેઠકમાં વૈશ્વિક કક્ષાના હેરીટેજસીટીનો દરજજો આપવામાં આવ્યા બાદ સૌ પ્રથમ વખત શહેરના કાંકરીયા ખાતે યોજાઈ રહેલા કાર્નિવલને હેરીટેજ થીમ સાથે આવરી લેવાનું ભવ્ય આયોજન મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે આ સાથે જ કાંકરીયા કાર્નિવલમાં પ્રવેશવાની એન્ટ્રી ઉપર અમદાવાદ શહેરના  મુખ્ય દરવાજાની ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવશે.અમદાવાદ શહેરમાં સતત ૧૦મા વર્ષે યોજાવા જઈ રહેલા કાર્નિવલના કેટલાક કાર્યક્રમો આ વર્ષે શહેરના ભદ્ર પ્લાઝા અને રીવરફ્રન્ટ ખાતે પણ આયોજિત કરવામાં આવનાર છે.આ અંગે મળતી પ્રમાણે,અમદાવાદ શહેરના કાંકરીયા ખાતે છેલ્લા નવથી પણ વધુ વર્ષથી દર વર્ષે ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરીયા ખાતે આગામી સોમવાર અને ૨૫ ડિસેમ્બરથી કાર્નિવલનો ભવ્યાતિભવ્ય આરંભ કરવામાં આવનાર છે.આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને લગતી તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે.આ વર્ષે જુન માસમાં પોલેન્ડના કારકો શહેર ખાતે મળેલી યુનેસ્કોની હેરીટેજ કમિટીની બેઠકમાં અમદાવાદ શહેરને વૈશ્વિક કક્ષાના હેરીટેજ શહેર તરીકે જાહેર કરવામાં આવેલું હોઈ આ વખતે કાંકરીયા ખાતે યોજાનારા કાર્નિવલનું એ દ્રષ્ટિએ પણ મહત્વ ઘણું વધી જાય છે.

Previous articleહાઇકોર્ટ સહિત રાજ્યના બધા બાર એસો.ની ચૂંટણી પરિપૂર્ણ
Next articleમાત્ર દોઢ જ વર્ષમાં ગુજરાતમાં રૂપાણીનું ગતિશીલ કાર્ય રહ્યું