ગત શનિવારની સવારથી મ્યુનિસિપલ મુખ્યાલય પરિસરના શિવમંદિરની બહાર ફાયર બ્રિગેડમાં સબ ઓફિસરની જગ્યાને સિનિયોરીટી મુજબ ભરવાની માગણી સાથે અન્નજળનો ત્યાગ કરીને અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરેલા નોકર મંડળના પ્રમુખના સમર્થનમાં આગામી તા.ર૮ ફેબ્રુઆરીએ ફાયર બ્રિગેડનો સ્ટાફ એક દિવસની માસ સીએલ પર ઊતરશે. ગઇ કાલે સબ ઓફિસરની પરીક્ષાના બહિષ્કાર બાદ આ આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે.મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ વિભાગમાં સબ ઓફિસરની જગ્યા સિનિયોરીટીથી ભરવાના મામલે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સબ ઓફિસરની પરીક્ષાનો બહિષ્કાર ફાયર બ્રિગેડના ર૪૪ જવાનોએ કરતાં પોલીસે તેમની અટકાયત કરાઇ હતી, જોકે ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા વધારાનો ચાર્જ છોડી દેવાતાં આ કોકડું વધુ ગૂંચવાયું છે.
દરમ્યાન નોકર મંડળના પ્રમુખ દેવકરણ સાબરિયાએ અન્નજળ ત્યાગ કરીને શરૂ કરેલી ભૂખ હડતાળનો આજે ત્રીજો દિવસ છે. તેમની ભૂખ હડતાળ છોડાવવા મ્યુનિસિપલ હોદ્દેદારો કે ઉચ્ચ અધિકારીઓ આવે તેવી શક્યતા નહીંવત્ છે. ખુદ દેવકરણ સાબરિયા કહે છે, ફાયર બ્રિગેડનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મૂકેશ ગઢવી કે ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તૂર દ્વારા મારી તબિયત અંગે પૂછપરછ કરવાની તસ્દી લેવાઇ નથી, જોકે આ આંદોલન વધુ ઉગ્ર બનશે તેમ જણાવતાં તેઓ વધુમાં કહે છે, આગામી તા.ર૮મીએ ફાયર બ્રિગેડનો સ્ટાફ એક દિવસની માસ સીએલ પર ઊતરશે, જેમાં તંત્રના અન્ય વિભાગનો સ્ટાફ પણ જોડાય તેવી શક્યતા છે.