લંડનઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકનું નાઇટહુડ (સર)ની ઉપાધિથી સન્માન કરવામાં આવ્યું છે. કુકને આ સન્માન મંગળવારે સવારે બકિંઘમ પેલેસમાં આયોજીત સમારોહ દરમિયાન આપવામાં આવ્યું હતું. એલિસ્ટર ૧૨ વર્ષ બાદ આ સન્માન મેળવનાર પ્રથમ ક્રિકેટર છે. આ પહેલા વર્ષ ૨૦૦૭માં આ સન્માન ઇયાન બોથમને મળ્યું હતું. એલિસ્ટર કુકે કહ્યું કે, આ સન્માન મેળવતા સમયે તે નર્વસ હતો. કુક એક્સેસ કાઉન્ટી ક્લબ માટે ક્રિકેટ રમતો રહેશે. તેણે ગત વર્ષે એક્સેસની સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો.
કુકે કહ્યું, કોઈ તમને કહે કે તમારે ચાલવાનું છે અને પછી ઘુંટણ પર બેસવાનું છે, તો તમારા માટે અજીબ રહેશે. મારા માટે પણ હતું અને હું ઘણો નર્વસ હતો. હું હજારો લોકોની સામે ક્રિકેટ રમ્યો પરંતુ તમે માત્ર ચાલવા અને ઘુંટણ ટેકવાથી ગભરાઈ જાવ તો તે અજીબ છે.
૩૪ વર્ષના કુકે ગત વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લીધી હતી. તેણે પોતાના ક્રિકેટ કરિયરના છેલ્લા આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં યાદગાન સદી ફટકારી હતી. તેણે આ સદી ભારત વિરુદ્ધ ઓવલના મેદાન પર ફટકારી હતી. કુકે ૨૧ વર્ષની ઉંમરમાં ૨૦૦૬માં ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.
કુકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા અને તોડ્યા છે. તે પ્રથમ ખેલાડી છે, જેણે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચ રમી, સૌથી વધુ ટેસ્ટ રન અને સદી બનાવી. કુકે ૧૬૧ ટેસ્ટ મેચોમાં ૪૫.૩૫ની એવરેજથી ૧૨૪૭૨ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૩૩ સદી અને ૫૭ અડધી સદી ફટકારી છે.
એલિસ્ટર કુકે ૫૯ ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમાં ટીમને ૨૪ મેચમાં જીત અને ૨૨માં હાર મળી હતી. બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિની સિદ્ધિ કે દેશની સેવા માટે નવા વર્ષમાં નાઇટહુડ આપવામાં આવે છે. જેને આ સન્માન આપવામાં આવે છે, તેના નામની આગળ ’શ્રી’ની જગ્યાએ ’સર’ લખવામાં આવે છે.