તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડમાં આવતા છાપરા નેસ નજીક આવેલા સોહરિયા વિસ્તારમાં આજે એક ૯ વર્ષની સિંહણનો કોહવાયેલી, દુર્ગંધ અને જીવાતવાળી હાલતમાં મૃતદેહ પડ્યો હતો. વનવિભાગને આ સિંહણના મૃતદેહ અંગે જાણ થતાં સ્ટાફ સાથે અહીં દોડી ગયા હતા. જ્યારે સિંહણમાં જીવાત અને દુર્ગંધ એટલી હદે આવતી હતી કે વનવિભાગના સ્ટાફ દ્વારા પોતાના મોઢે રૂમાલ બાંધવાની ફરજ પડી હતી અને નજીક જઇ શક્યા હતા. સિંહણનું મોત આશરે ૨૫ દિવસ જેટલો સમય વીતી ગયો હોવાથી મૃતદેહમાં જીવાત અને દુર્ગંધ મારવા લાગ્યો હતો. સવાલ એ થઈ રહ્યો છે કે સિંહણના મોતને આશરે ૨૫ દિવસ જેટલો સમય વીતી ગયો ત્યાં સુધી ભાણીયા રાઉન્ડના વનકર્મીને કે રેન્જના અધિકારી ઓને જાણ સુદ્ધા નહોતી.
સિંહપ્રેમીઓમાં રોષ
સિંહો સલામતના બણગાં ફૂંકતું વનવિભાગના અધિકારી-કર્મચારીઓ આવી રીતે સિંહો સલામત છે તેવું માનતા હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે. હાલમાં આ તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં એક સિંહના ૧૩ નખ ગાયબની ઘટનામાં હજુ સુધી તપાસના નામે હવાતિયાં મારી રહેલા વનવિભાગના કર્મચારીઓ-અધિકારીઓ હજુ ક્યાં સુધી આવી રીતે સિંહ-સિંહણના મોતને ભેટી રહ્યા છે તે તમાશો જોયા કરશે. સિંહપ્રેમીઓમાં વનવિભાગ સામે રોષ સાથે સવાલો કરી રહ્યા હતા કે ૨૫ દિવસ પેહલા સિંહણનું છેલ્લી વખત ક્યાં લોકેશન હતું. બાદમાં સિંહણ કંઈ હાલતમાં છે તે જોવામાં જ આવ્યું ન હોવાથી સિંહણ મોતને ભેટી ત્યારે બેજવાબદારી દાખવાનાર સામે પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી રહી છે.