મહીસાગરમાં વાઘનું મોત, પીએમ બાદ અગ્નિ સંસ્કાર

1196

ગુજરાતમાં દેખાયેલા એક માત્ર વાઘની વન વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવ્યા બાદ ગત રાત્રી દરમ્યાન તે જ વાઘનો મહિસાગરના જંગલ માંથી વાઘનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દ્વારા આજરોજ વાઘનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. મંગળવારે રાત્રી દરમ્યાન મહીસાગરના જ સીગ્નલી નજીક આવેલા કંતારના જંગલમાંથી અચાનક જ કોહવાયેલ હાલતમાં વાઘનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક વચ્ચે વન વિભાગ દોડતું થઇ ગયું હતું.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ જંગલ વિસ્તારમાં જયારે વન વિભાગના કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન ઝાડીઓમાં ફસાયેલ અને કોહવાયેલ હાલતમાં વાઘનો મૃતદેહ જોતા પોતાના ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. ગત રાત્રી દરમ્યાન જ વડોદરા વન વિભાગના સીસીએફ સહીતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાત્રી દરમ્યાન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મૃતદેહને સાચવ્યા બાદ આજરોજ વાઘના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પશુ ડોક્ટરોની ટિમ દ્વારા ઘટના સ્થળે જ પેનલ પી.એમ.કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.  આજરોજ વહેલી સવાર થી જ વન વિભાગનો સ્ટાફ અને સીસીએફ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત હતા. જે દરમ્યાન જંગલ વિસ્તારના આસપાસના વિસ્તારના સ્થાનિકો પણ વાઘને જોવા કુતુહલ વશ ખુબ જ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. મહીસાગર જિલ્લાના પશુ ચિકિત્સક,ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર તેમજ એનજીઓની ટીમના પશુ ચિકિત્સકો અને તેમની ટિમના સભ્યો દ્વારા કોહવાયેલી હાલતમાં વાઘનો મૃતદેહ હોવાથી ઘટના સ્થળે જ પેનલ પી.એમ.કરવા માં આવ્યું હતું.

જો કે ખુબ જ દુર્ગંધ મારતા વાઘના મૃતદેહના પી.એમ બાદ પણ ડોક્ટરોની ટિમ વાઘ ના મોતનું પ્રાથમિક કારણ જાણવામાં નિષ્ફળ નીવડી હતી. ડોક્ટર્સની ટીમના જણાવ્યા અનુસાર વાઘનું મોત અંદાજિત ૪ થી ૫ દિવસ પહેલા થયું હોવાથી આખું શરીર કોહવાઈ ગયું હતું. અને ખુબ જ દુર્ગંધ મારતું હતું જેથી ઘટના સ્થળે પી.એમ.કરવાની ફરઝ પડી હતી. મૃત વાઘની ફિઝિકલ ડેફિનેશનની વાત કરીએ તો તેની ઉંમર અંદાજિત ૬ થી ૭ વર્ષની આસપાસ હોઈ શકે છે. જેની ઊંચાઈ ૨૬૨ સેન્ટિમીટર જેટલી હતી.

મૃતદેહનું વજન કોહવાઈ જવાના કારણે ઓછું થઇ ૭૧ કિલો ૪૦૦ ગ્રામ જેટલું થઇ ગયું હતું. ડોક્ટર્સની ટીમ દ્વારા વાઘના શરીરના જુદા જુદા ભાગોમાંથી ૩૦ જેટલા સેમ્પલો લઈ અલગ અલગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ વાઘના મોતનું સાચું કારણ જાણી શકાશે.

વાઘના મોતના મામલે વડોદરા વન વિભાગના સીસીએફએ ખુલાસો કરતા જણાવ્યું હતું જે વાઘનો મૃતદેહ મળી આવ્યો છે તે એજ વાઘ છે જે સંતના જંગલમાં નાઈટ વિઝન કેમેરામાં કેદ થયો હતો. આ નર વાઘ પહેલાના લોકેશનથી અંદાજિત ૧૫ કિલોમીટર ચાલીને કતારના જંગલમાં આવી ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે સ્ટેટ હાઈ વે ક્રોસ કરી ને ક્યારે અને કેવી રીતે આ વાઘ કતારના જંગલમાં આવ્યો તે અંગે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.વાઘના મૃત્યુ અંગે હાલ પણ રહસ્ય અકબંધ છે ત્યારે વન વિભાગ આટલી ટેક્નોલોજી અને મેન પાવર નો ઉપયોગ કરવા છતાં ગુજરાત માં દેખાયેલ એક માત્ર વાઘ  ની સુરક્ષા કરવા માં વામણું પુરવાર થયું છે ત્યારે આગામી સમય માં વાઘ ના પરિવાર ની તપાસ અંગે કેવી કાર્યવાહી અને પગલાં ભરવા માં આવે છે તે જોવું રહ્યું.

Previous articleભરતીમાં ભષ્ટ્રાચારઃ શારીરિક કસોટીમાં નાપાસ થયેલા ઉમેદવારને સિલેક્ટ કરતા હોબાળો
Next articleર કિલોમીટરની દોડમાં હાર્દિકસિંહ વાઘેલા પ્રથમ આવતા મેડલ