વર્ષ ૨૦૧૮-૧૯ પુર્ણ થવા જઇ રહ્યું છે અને નવું નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ શરૂ થઇ રહ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતનું સ્વભંડોળ સહિતનું અંદાજપત્ર આગામી તા.૨જીને શનિવારે રજુ કરવામાં આવશે.
આ બજેટ પુરાંતવાળું હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે બજેટમાં ખાસ કરીને આગામી દિવસોમાં પીવાના અને પીયતના પાણીની સમસ્યા સર્જાવાની વકી છે તેની સામે વધારાની ખાસ જોગવાઇ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બજેટ રજુ કર્યા બાદ સત્તાધારી પક્ષ અને વિપક્ષ સર્વાનુમતે પસાર કરે છે કે નહી ંતે તો જોવું જ રહ્યું.
ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા આગામી નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦નું અંદાજપત્ર એટલે કે વાર્ષિક બજેટ આગામી તા.૨ માર્ચની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. પ્રમુખ મંગુબેન પટેલ દ્વારા આ બજેટ રજુ કરવામાં આવશે.
જેને સત્તાધારી પક્ષ અને વિપક્ષ દ્વારા સુધારો કરીને પસાર કરાશે. આ બજેટ અંગે આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે બજેટ પુરાંતવાળું એટલે કે આવક કરતાં ખર્ચા ઓછા હશે. એટલું જ નહીં ગત ચોમાસા દરમિયાન જિલ્લામાં ઓછો વરસાદ પડયો હોવાના કારણે બજેટમાં પીવાના અને પીયતના પાણીની વ્યવસ્થા માટે પણ વધારાની ખાસ જોગવાઇ કરવામાં આવનાર છે.
આ ઉપરાંત વર્ષ ૨૦૧૮-૧૯નું સુધારેલું બજેટ રજુ કરવામાં આવશે. તો મનરેગાનું લેબર બજેટ પણ મુકવામાં આવશે. જે ચર્ચા-વિચારણાના અંતે પસાર કરાશે. સામાન્ય સભામાં બજેટ ઉપરાંત ગત વર્ષના સ્વભંડોળના વિકાસ કામોની પ્રાથમિક અને વહિવટી મંજુરી આપેલા કામોને બહાલ રાખવામાં આવશે.
આ ઉપરાંત વર્ષ ૨૦૧૮-૧૯ના વિકાસ કામોની મુદ્ત વધારીને તા.૩૧ ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય પણ સામાન્ય સભામાં કરવામાં આવશે. તો રેતી -કાંકરીની ગ્રાન્ટમાં સુચવેલા વિકાસ કામોને મંજુરી પણ આ સામાન્ય સભામાં આપવામાં આવશે. જિલ્લા પંચાયતના હોલમાં બપોરે ર વાગે શનિવારે બજેટલક્ષી આ સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી રાખવામાં આવી છે.