શ્રીનગર : પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઇકથી પાકિસ્તાન બેબાકળું બની ગયું છે અને નિયંત્રણ રેખા પર સતત ફાયરિંગ કરી રહ્યું છે. જવાબમાં ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે. બીજી બાજુ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં જૈશ-એ-મોહમ્મદના ૨ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ રહેણાંક મકાનમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા છે. આ ક્ષેત્રમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા જ સેનાની ૨૩મી પેરામિલિટરી ફોર્સ. સીઆરપીએફ અને એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના મામંડરમાં સેના અને આતંકીઓ વચ્ચે સતત ફાયરિગં કરવામાં આવી રહ્યું છે. ૨-૩ આતંકીઓએ આ વિસ્તારના મામંડરના એક ઘર પર કબજો જમાવીને ત્યાં છુપાયેલા છે. એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને અહીંની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
હાલ ફાયરિંગ રોકાઈ ગયું છે અને અહીં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના શોપિયાના મામંડરમાં આતંકીઓ સાથે સીઆરપીએફ, સેના અને રાજ્ય પોલીસે આજે સવારે ૪.૨૦ વાગ્યાથી એન્કાઉન્ટર શરૂ કરી દીધું છે. સીમા પર વધતા તણાવને ધ્યાનમાં રાખીને પુંછ અને રાજૌરીમાં લાઈન ઓફ કંટ્રોલથી ૫ કિમી દૂર સુધીના વિસ્તારમાં આવતી દરેક સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં સીમા પારથી ગમે ત્યારે ફાયરિંગ થઈ રહ્યું છે. મંજકોટ પુંછ, નૌશેરા, રાજૌરી, અખનૂર અને સ્યાલકોટ વિસ્તારોમાં સીમાપારથી ફાયરિંગ અને મોર્ટાર છોડવામાં આવી રહી છે.