બોટાદ જીલ્લામાં પંચાયત હસ્તકના જુદી જુદી ૬ કેડરની આરોગ્યના કર્મચારીઓ દ્વારા તેમના વર્ષો જુના પડતર પ્રશ્નો અંગે નિરાકરણ ન આવતા તેઓ દ્વારા સતત ૧૩ દિવસે ગાંધી ચિંધ્યા માર્ગે અચોકકસ મુદતની હડતાલ પાડી ધરણા પર છે. આજરોજ મમતા દિવસની કામગીરી ખોરંભે પડેલ છે. એકબાજુ સરકાર માતા મરણ અને બાળ મરણ અટકાવવાની વાતો કરે છે ત્યારે ગામડાઓમાં સગર્ભા અને ધાત્રી માતા તેમજ બાળકોના આરોગ્યની સારસંભાળ રાખે છે. તેવા મહત્વના પાયાના આરોગ્ય કર્મચારી પડતર પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિરસતા દાખવે છે. ગઈકાલે આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે બેઠક મળેલ હતી. પરંતુ ગ્રેડ પે બાબતે કોઈ નિરાકરણ ન આવતા આજરોજ સરકારના મંત્રીઓ સાથે બેઠક મેળવવા પ્રયત્નો કરવામાં આવનાર છે. આ હડતાલના પગલે બોટાદ જીલ્લામાં આ હડતાલના પગલે ગામડામાં આરોગ્ય સેવાઓ પડી ભાંગી છે અને ગામડાના લોકોનું જાહેર આરોગ્ય રામભરોસે છે. કર્મચારીઓમાં ઉગ્ર રોષની લાગણી છે અને હવે તેઓ ગાંધીનગર તરફ કુચ કરવાની તૈયારી કરી લીધી છે. આથજ દિન સુધી કર્મચારીઓ દ્વારા શિસ્ત, સંયમ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ ચાલી હતી પરંતુ હવે કર્મચારીઓમાં ધીરજતાનો અંત આવતા આવનાર દિવસોમાં જો સરકાર દ્વારા હજી કોઈ પડતર પ્રશ્ને નિરાકરણ નહીં. આવે તો ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ, ગાંધીનગરના આદેશ અનુસાર આગળની રણનીતિ મુજબના જલદ તેમજ અનેકવિધ રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. તેમ બોટાદ જીલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જણાવવામાં આવેલ.