માનવ નવજીવન કથાના આજના પાંચમાં દિવસે ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને પૂજય બાપુ જેમને વિચાર યજ્ઞના આચાર્ય કહે છે તેવા ગુણવંભાઈ શાહે પોતાનું વકતવ્ય પ્રસ્તુત કર્યુ. તેમના વર્ષોના ચિંત અને મનનના પરિપાકરૂપે લખાયેલા પુસ્તક ક્રાંતિ પુરૂષ ગંધીજીનું લોકાર્પણ આજે પૂજય મોરારીબાપુના પાવન હસ્તે થયું. ગુણવંતભાઈ શાહે જણાવ્યું કે આજે અહીં અમદાવાદમાં સરયુ, સાબરમતી અને માલણનો સંગમ થયો છે. ગુજરાતના અન્ય એક સાક્ષર ભદ્રાયુભાઈએ પણ ગાંધી વિચાર પર રસપ્રદ પ્રવચન આપ્યું.
બાપુએ ગુણવંતભાઈ શાહને સંબોધતા જણાવ્યું કે, આપે માનવતાનું મહાકાવ્ય્ – રામાયણ લખીને વાલ્મીકિ કાર્ય કર્યું છે. માનવસ્વ્ભાવનું મહાકાવ્ય મહાભારત લખીને વ્યાસકર્મ કર્યું છે. અને ઉપનિષધદ ઉપર તેમજ આજે લોકાર્પણ થયેલ ક્રાંતિ પુરૂષ ગાંધીજી લખીને ઋષિકર્મ કર્યું છે. હવે સંત વિનોબાજી વીશે એક ભાષ્ય લખીને મુની કર્મ કરવાનો પૂજય બાપુએ તેમને અનુરોધ કર્યો. તલગાજરડાની કુળદેવી અહિંસા છે અને બાપુને હણવાની, યુદ્ધની વાત ગમની નથી છતાં અમુક સ્થિતિમાં એ નિર્ણય જરૂરી બને છે. એ સંદર્ભમાં પૂજય બાપુએ આજે પ૬ની છાતી ધરાવતા ભારતીય વાયુસેનાના વીર જવાનોને સલામ પાઠવી છે.
કથા પ્રવાહમાં શ્રોતાઓને દોરી જતા પૂજય બાપુએ કહ્યું કે નવજીવનના પર્યાય શબ્દકોષમાં ઘણા છે. પણ અહીં નવજીવન એટલે કૃતકૃત્યતા. તુલસીદાસજીનો જન્મ માતા હુલસીએ આપ્યો, તેમને જીવન તેમના ધર્મ પત્ની રત્નાવલીએ આપ્યું. અને એમને નવજીવન રામચરિત માનસ રૂપી સદ્રુરૂએ આપ્યું. બુદ્ધ પુરૂષ આપણને નવજીવન આપે છે. નવ પ્રકારે આપણને જે કૃત કૃત્ય કરે છે એવા બુદ્ધ પુરૂષ માટે અનેક વ્યાખ્યાઓ છે. તેમના અનેક લક્ષણો પણ વર્ણવાયા છે. રામાયણના આધારે બુદ્ધ પુરૂષના લક્ષણો સમજાવતા બાપુએ કહ્યું કે રામાયણના સાત કાંડના સાત નામનો સાર જે વ્યક્તિત્વમાં દેખાય તેને બુદ્ધ પુરૂષ ગણવા.
પ્રથમ સોપાન છે – બાલ કાંડ, જેમનામાં બાળક જેવી સહજતા હોય – જે બાલવત્ હોય તેને બુદ્ધ પુરૂષ ગણવા. સામર્થ્ય ગજબનું હોવા છતાં બાળક જેવી સહજતા, નિર્દોષ ભાવ હોય એ બુદ્ધ પુરૂષનું પ્રથમ લક્ષણ છે. બીજું સોપાન છે – અયોધ્યાકાંડ. અયોધ્યા એટલે જયાં યુદ્ધ નથી. જે બુદ્ધ પુરૂષમાં કોઈની સાથે કોઈ સંઘર્ષ ન હોય. બીજા દિવસે વાદ વિવાદમાં જેટલો સમય જાય એનો એક ટકો પણ જો હરિભજનમાં જાય તો બેડો પાર થઈ જાય. બુદ્ધ પુરૂષ અજાતશત્રુ હોય છે. ત્રીજું સોપાન અરણ્યકાંડ છે. એટલે કે ભવનમાં રહીને વનમાં રહેતો હોવાની માનસિકતા રાખે એ બુદ્ધ પુરૂષ છે. પોતાના ઘરના લોકોને ખબર પણ ન પડે એમ જેની ભીતર વાનપ્રસ્થ પ્રકટયો હોય એ ભવનમાં વન નિર્મિત કરે છે એ બુદ્ધ પુરૂષનું ત્રીજું લક્ષણ છે.
બુદ્ધ પુરૂષનું ચોથું લક્ષણ ક્રિષ્કીન્ધા કાંડ મુજબ મૈત્રી છે. ચિત્રભાનુજીને યાદ કરતા બાપુએ કહ્યું કે વેષથી સાધુ થવા કરતા વૃતિથી સાધુ થવું વધારે સારૂં. પતંજલીએ આપણને મૈત્રી શબ્દ આપ્યો છે. રામ કિષ્કીન્ધામાં વિષયી સુગ્રીવને પોતાનો મિત્ર બનાવે છે. કિષ્કીન્ધા મિત્રાષ્ટકનો કાંડ છે. માનસનું પાંચમું સોપાન છે. સુંદરકાંડ. જેનામાં તનની, મનની, વિચારોની, કૃતિની અને વૃતિની સુંદરતા હોય એ બુદ્ધ પુરૂષ છે. બુદ્ધ પુરૂષનું પોતાનું એક સૌદર્ય હોય છે, એ બધાં સૌંદર્યનો સાર હોય છે. છઠ્ઠું સોપાન લંકાકાંડ છે. રાવણ એક રીતે મહાત્મા છે. તેને મૃત્યુનો ભય નથી. જેણે બહુ જ સ્મરણ કર્યુ હોય એને મરણનો ભય ન હોય. ગાંધીજીને મૃત્યુ મારી શક્યું નથી. જાણે અહીં મૃત્યુ મરી જાય છે. બાપુએ મૃત્ય સમયે રામસ્મરણ કર્યુ છે. બુદ્ધ પુરૂષનું આ છઠ્ઠું લક્ષણ છે. ઉત્તરકાંડ સાતમુ સોપાન છે. છેલ્લી યાત્રામાં જેને જીવનના બધા જ પ્રશ્નોના ઉત્તર મળી ગયા હોય, કોઈ સવાલ બચ્યા ન હોય એ બુદ્ધ પુરૂષ છે. ઉત્તર જયારે અંદરથી મળે ત્યારે પછી કોઈ પ્રશ્ન રહેતો જ નથી.