વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરી તેમની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા ગાંધીનગર ખાતે આયોજીત યુવા મહોત્સવ ૨૦૧૯માં ભાવેણાની ગૌરવવંતી દિકરી હેતસ્વી સોમાણીએ દોરડા પર યોગાસન કૃતિ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમૃગ્ધ કરી દીધા હતા. દિલધડક કૃતિ જોઈ ઉપસ્થિત સમગ્ર લોકો પોતાના સ્થાન પર ઉભા થઈ કૃતિને બિરદાવી હતી. ઉત્સાહ અને થનગનાટ સાથે યોજાયેલ યુવા મહોત્સવના સમગ્ર કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાની અભૂતપૂર્વ યોગાસન કૃતિએ અબાલવૃધ્ધ સૌ કોઈના દિલ જીત્યા હતા. આ તકે ઉલ્લેખનીય છે કે હેતસ્વી સોમાણી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૫૮થી વધુ ગોલ્ડ મેડલ જીતી સમગ્ર ગુજરાત સહિત દેશનું નામ રોશન કરી ચુકી છે. આ પ્રસંગે ભાજપ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ચાલ જીવી લઈએ ફેઈમ યસ સોની, કિંજલ રાજપ્રિયા, ભક્તિ કુબાવત, ફરીદા મીર, પાર્થ ઓઝા સહિત ઉપસ્થિત રહ્યા હતા.