ભાવનગર સર ટી.હોસ્પિટલમાં બનાવાયેલા સ્વાઈન ફલુ વોર્ડમાં આજે સારવાર લઈ રહેલા વધુ બે વૃધ્ધોનાં સારવાર દરમ્યાન મોત થયા હતા.
રાજ્યભરમાં સ્વાઈન ફલુનાં રોગે હાહાકાર મચાવ્યો છે અને ભાવનગરમાં પણ સિઝનમાં ૪૦ ઉપરાંત દર્દીઓનાં સ્વાઈન ફલુથી મોત થયા છે. ત્યારે આજે વધુ બે દર્દીઓનાં મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તળાજા તાલુકાનાં ઈસોરા ગામે રહેતા ૭૦ વર્ષીય વૃધ્ધને ગઈકાલે સર ટી હોસ્પિટલનાં સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર માટે દાખળ કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે તેઓનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
આ ઉપરાંત બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાનાં મોટી વાવડી ખાતે રહેતા ૬૫ વર્ષિય વૃદ્ધને ગત તા.૨૫નાં રોજ સર ટી હોસ્પિ.નાં સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયેલ જ્યાં આજે તેનું પણ સારવાર દરમ્યાન મોત થયુ હતું. આમ આજે એક જ દિવસમાં સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર લેતા બે વ્યક્તિનાં મોત થયા હતા.
હાલમાં સ્વાઈન ફલુ વોર્ડમાં ૧૫ પોઝીટીવ દર્દી તેમજ બે શંકાસ્પદ દર્દીઓ સારવાર લઈ રહેલા છે જ્યારે આજે ૩ દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી હતી તેમ હોસ્પિટલ સુત્રો દ્વારા જણાવાયુ છે.