આગામી તા.૭ થી તા.૨૩ માર્ચ દરમિયાન યોજાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓના અનુસંધાને ભાવનગર જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલકો માટે માર્ગદર્શન અને તાલીમ વર્ગનું આયોજન ભાવનગરની એમ.કે. જમોડ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ અધિકારીશ્રી એ.બી. પ્રજાપતિ દ્વારા બોર્ડની પરીક્ષાનો પ્લાન રજૂ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી..
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી જિલ્લામાં કુલ ૨૦૮ કેન્દ્ર પર ધો.-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. જેમાં ધોરણ-૧૦ ના કુલ ૫૩,૧૧૭ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨(સા.પ્ર)માં ૨૨,૯૨૮ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૧૨ (વિ.પ્ર)માં ૫૯૫૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે તા. ૬ માર્ચથી- એટલે કે પરીક્ષાના એક દિવસ પહેલાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે.
પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ પરીક્ષાની વિડિયોગ્રાફી પણ કરાશે, તદુપરાંત, પરીક્ષામાં બેસનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ બોર્ડની પરીક્ષામાં ગેરરીતીઓ અટકે અને તટસ્થ પરીક્ષા યોજાય, એ માટે જરૂરી કાર્યવાહી કરવા તમામ સ્થળ સંચાલકોને નિર્દેશ આપ્યા હતા. આ માટે જિલ્લાના ચાર અતિસંવેદનશીલ અને ૧૪ સંવેદનશીલ કેન્દ્રોની વિગતો આપી, તમામ અતિસંવેદનશીલ કેન્દ્રોની જવાબદારી વર્ગ-૧ તથા ૨ કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી હોવાનું શિક્ષણાધિકારીશ્રીએ ઉમેર્યું હતું. આ તાલીમ વર્ગમાં શિક્ષણ નિરીક્ષકશ્રી એમ.આર. પાંડે, પ્રતિપાલસિંહ ગોહિલ તેમજ ઝોનલ અધિકારી ધર્મેન્દ્રભાઇ, સમીરભાઇ જાની, એમ.પી. ગોહિલ, વિક્રમસિંહ પરમાર તથા સુરેશભાઇ પંડ્યા સહિતનાઓએ જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપ્યું હતું.