ભારત-ઓસ્ટ્રેલિયા. વચ્ચેની ચંદીગઢ અને દિલ્હીની મેચ પર સંકટનાં વાદળ ઘેરાયાં

649

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે, જોકે એક તરફ ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ૧૬ જૂને રમાનારી ભારત-પાક.ની વિશ્વકપ મેચ પર સંકટ ઘેરાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ હાલ ભારતના પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ચિંતિત દેખાઈ રહી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બે ટી-૨૦ મેચની શ્રેણી બુધવારે પૂરી થઈ ગઈ, પરંતુ બંને દેશ વચ્ચે તા. ૨ માર્ચથી હૈદરાબાદમાં પાંચ વન ડે મેચની વન ડે શ્રેણીની શરૂઆત થવાની છે. આ શ્રેણીની બે મેચ પર સંકટનાં વાદળ છવાયાં છે, જેમાં ચંડીગઢ અને દિલ્હીની મેચ સામેલ છે. આ બંને શહેર પાકિસ્તાનથી બહુ દૂર નથી. બંને ટીમ વચ્ચે ચંડીગઢમાં ચોથી વન ડે તા. ૧૦ માર્ચે રમાવાની છે, જ્યારે દિલ્હીમાં શ્રેણીની અંતિમ મેચ ૧૩ માર્ચે રમાવાની છે, પરંતુ પાકિસ્તાન સાથેના તણાવના કારણે ભારત સરકારે ચંડીગઢ અને દિલ્હીમાં હાઈ એલર્ટ જારી કર્યું છે.

જોકે બીસીસીઆઇના એક સૂત્રએ જણાવ્યું, ”ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જરૂર છે, પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી અમને આ અંગે કંઈ કહ્યું નથી. આ સ્થિતિમાં મેચ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જ રમાશે. જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ બંને મેચ અંગે અમને કંઈ જણાવશે તો અમે તે અંગે ચર્ચા કરીશું. હાલ શ્રેણી પર કોઈ જોખમ નથી અને ઓસ્ટ્રેલિયાની ટીમને સંપૂર્ણ સુરક્ષા અપાઈ રહી છે.

ભારત-ઓસી. શ્રેણી ઉપરાંત ભારત-પાક.ની વર્લ્ડકપની મેચને લઈને પણ આશંકા પ્રવર્તી રહી છે. આથી જ પ્રસારણકર્તા સ્ટાર સ્પોટ્‌ર્સ નેટવર્કે પણ આ મેચનો વીમો ઊતરાવ્યો છે.

સ્ટાર સ્પોટ્‌ર્સને ડર છે કે જો આ મેચ નહીં રમાય તો બહુ મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે. આ મેચ માટે સ્ટાર સ્પોટ્‌ર્સે લગભગ રૂ. ૧૪૫૦ કરોડનો વીમો ઊતરાવ્યો છે. પ્રસારણકર્તાને સૌથી વધુ કમાણી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાંથી જ થવાની છે. આ મેચમાંથી ૧૦૦થી ૧૫૦ કરોડની કમાણીનો અંદાજ છે.

Previous articleઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને ૨૯ રનથી હરાવી ૨-૧થી લીડ પ્રાપ્ત કરી
Next articleસુમો અધિકારીનું ફરમાનઃ ‘રેસલરોની લકી દાઢી, ટૅટૂ, લાંબા નખ નહીં ચાલે’