પગારપંચનો લાભ નહિ મળતા મેડિકલ કોલેજના અધ્યાપકો ખફા

515

સાતમા પગારપંચનો લાભ નહિ મળતા મેડિકલ કોલેજના અધ્યાપકોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને તેથી આ અધ્યાપકોએ કાળી પટી ધારણ કરી સરકાર સામે રોષ દાખવી આ બાબતે તેમને ન્યાય આપવા અંગે ઉગ્ર રજૂઆત કરી છે.

રાજ્યભરની મેડિકલ કોલેજના ૧૨૦૦ જટેલા અધ્યાપકોને સાતમાં પગારપંચથી વંચિત રાખતા અધ્યાપકોમાં રોષ ઉઠવા પામ્યો છે. પગારપંચની માંગણી સાથે અધ્યાપકોએ કાળી પટ્ટી ધારણ કરીને મેડિકલ કોલેજના કેમ્પસમાં રાજ્ય સરકાર વિરૂદ્ધ સૂત્રોચાર કર્યા હતા. પગારપંચની માંગણી નહી સંતોષાય તો આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે.

રાજ્યની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓે સાતમાં પગારપંચનો લાભ રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૬માં આપવામાં આવ્યો છે. સાતમા પગારપંચના લાભને લઇને રાજ્ય સરકારની બેવડી નીતીને લઇને વિવિધ કર્મચારી સંગઠનોમાં વિરોધનો વંટોળ ?ઉઠવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકો અને પ્રોફેસરોને સાતમા પગારપંચનો લાભ આપવો જોઇએ. તેમ છતાં રાજ્યભરની મેડિકલ કોલેજના અધ્યાપકોને સાતમા પગારપંચથી વંચિત રાખવામાં આવ્યા છે.

સાતમાં પગારપંચના લાભ માટે ગુજરાત મેડિકલ કોલેજ ટીચર્સ એસોસિએશન દ્વારા અનેક વખત રાજ્ય સરકારની સમક્ષ લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવી છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઇ જ નક્કર નિર્ણય લેવામાં નહી આવતા મેડિકલ કોલેજના અધ્યાપકોમાં રોષ ઉઠવા પામ્યો છે.

સાતમાં પગારપંચની માંગણી સાથે મેડિકલ કોલેજના અધ્યાપકો દ્વારા વિરોધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં આજરોજ ગાંધીનગર મેડિકલ કોલેજના અધ્યાપકોએ કાળી પટ્ટી ધારણ કરીને કોલેજમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું. કોલેજના અધ્યાપકોએ રાજ્ય સરકારની વિરૂદ્ધ સૂત્રોચાર કરીને સાતમાં પગારપંચ આપવાની માંગણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા અધ્યાપકોની માંગણી નહી સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Previous articleબોર્ડ પરીક્ષા : ૭મીથી શરૂ થતી પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ શરૂ
Next articleરાજ્યની તમામ સહકારી સંસ્થાઓ રીઝર્વ ફંડમાંથી રુ.૧૦ લાખ દાન/ફાળો આપી શકશે