કેન્દ્ર સરકારમાં રાજ્ય ટ્રાન્સપોર્ટ અને નેશનલ હાઇવે મંત્રી મનસુખ માંડવિયાએ આજે જૂનાગઢ ખાતે મહત્વની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી હતી કે દેશમાં આગામી સમયમાં ૧૧ એરસ્ટ્રીપ બનાવવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતના દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયા વચ્ચે હાઇવે પર એરસ્ટ્રીપ બનાવવામાં આવશે.
રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી મનસુખ માંડવિયા જૂનાગઢ ખાતે ૧૯ કિલોમીટરના બાયપાસના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. છેલ્લા નવ વર્ષથી જૂનાગઢ બાયપાસને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો સુખદ અંત આવ્યા બાદ કેન્દ્રીય મંત્રીએ ગુરુવારે બાયપાસ રોડના કામનું ભૂમિપૂજન કર્યું હતું. આગામી દિવસોમાં હવે નેશનલ હાઇવે ૮-ડીને જેતપુર-સોમનાથ બાયપાસ સાથે જોડવામાં આવશે.
મંત્રી માંડવિયાએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં એક એરસ્ટ્રીપ બનશે. એરસ્ટ્રીપ અથવા હાઇવે સ્ટ્રીપની ખાસિયત એવી છે કે આ રોડ પર લડાકૂ વિમાનથી લઈને કાર્ગો પ્લેન પણ ઉતારી શકાય છે. ઇમરજન્સીની સ્થિતિમાં હાઇવેને બંધ કરીને તેના પર પ્લેન ઉતારી શકાય છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી અને આગ્રા વચ્ચે બનેલા એક્સપ્રેસ વેને પણ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તેના પર લડાકૂ વિમાન ઉતારી શકાય. આ અંગેનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવી ચુક્યું છે.