ઘોઘા તાલુકાના પડવા ગામે પાવર પ્લાન્ટ બનાવવા માટે જીપીસીએલ કંપની દ્વારા ૧ર ગામના ખેડૂતોની ૧૭ વર્ષ પહેલા જમીન સંપાદન કરેલી પરંતુ જમીન પર કામ કરેલ નહીં અને હવે કબ્જો મેળવવા જમીન સંપાદન કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો અને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જ્યારે ખેડૂતોએ અદાલતમાં દાવો દાખલ કર્યો હોય તેના માટે ૪પ દિવસની મુદ્દત માંગતા કંપનીના અધિકારીઓએ માંગણી ગ્રાહ્ય રાખતા હાલ પુરતી સંપાદન કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.
ઘોઘા તાલુકાના પડવા ગામે પાવર પ્લાન્ટ બનાવવા જીપીસીએલ કંપની દ્વારા ૧૭ વર્ષ પૂર્વે ૧ર ગામના ખેડૂતો પાસેથી વળતર આપીને જમીન સંપાદન કરી હતી પરંતુ તેના ઉપર કાર્યવાહી શરૂ કરી ન હતી. જ્યારે પાંચ વર્ષ પૂર્વે ખેડૂતોએ પોતાને મામુલી વળતર આપ્યું હોવાનો અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. બાદ હાલમાં કંપની દ્વારા પ્લાન્ટ માટે જમીન સંપાદન કરવા જમીન પર કબ્જો મેળવવા આજે સવારે સીટી ડીવાયએસપી ઠાકર, બે પી.આઈ., ૭૦ પોલીસ, ૧૦ મહિલા પોલીસ સહિતના મસમોટા કાફલા સાથે પહોંચ્યા હતા. પરંતુ ગામના ખેડૂતો સહિત રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ભારે વિરોધ કર્યો હતો અને રોડ પર બેસી ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
ખેડૂતોએ અધિકારીઓ પાસે કેસ દાખલ કરાયો હોય ૪પ દિવસમાં આ અંગે રજૂઆત કરી નિર્ણય લેવાશે તેવી રજૂઆત કરતા અધિકારીઓએ ખેડૂતોની માંગણી સ્વીકારી હતી અને ૪પ દિવસની મુદ્દત આપી હતી ત્યાં સુધી જો નિર્ણય ન આવે તો ખેડૂતોએ જમીન ખાલી કરી દેવાની શરતે હાલ પુરતી જમીન સંપાદનની કામગીરી સ્થગિત કરી દેવાઈ હતી.