બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આજે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાય હતી, જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત ૨૦૧૯-૨૦ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રૂપિયા ૭.૭૧ કરોડના ૨૭૪ વિકાસ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું.
પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી – પદાધિકારીઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારી માટેના કામો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી અને ગટર જેવા સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપી મંજુર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રત્યેક ગામોમાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિક્તા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તથા આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્લાન એસ્ટીમેન્ટ આગામી ૧ (એક) માસ સુધીમાં રજૂ કરી આ મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.
બોટાદ જિલ્લા કલેકટર સુજીત કુમારે આયોજન મંડળમાં મંજુર થયેલ કામો સત્વરે હાથ ધરી સમય મર્યાદામાં તે પૂર્ણ થાય તેની તકેદારી રાખવા તમામ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ કે. જોષીએ ૨૦૧૯-૨૦ના વર્ષનું વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન જિલ્લા આયોજન મંડળમાં રજૂ કર્યું હતું.
આયોજન મંડળ દ્વારા વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની ૧૫% ટકા વિવેકાધિન જોગવાઈ અંતર્ગત બોટાદ જિલ્લાની અલગ-અલગ સરકારી માધ્યમિક શાળામાં ડિઝીટલ કલાસ રૂમનું કામ રૂપિયા ૨૮.૫૦/- લાખના ખર્ચે ૧૯ કામો અને સુંદરીયાણા, મોટી કુંડળમાં અત્યંત જર્જરીત હાલતવાળા સરકારી આયુર્વેદ દવાખાનાના નવા મકાનના બાંધકામનું કામ રૂપિયા ૩૦.૦૦/- લાખના ખર્ચે ૦૨ વિકાસના કામો અને કપલીધારથી સમઢીયાળા-૧ ગૃપના ૧૬ ગામોને પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપ લાઇનનું કામ તથા બોટાદ શહેરમાં ગઢડા ચોકડી સર્કલ ખાતે એસ.ટી. પીક અપ બસ સ્ટેન્ડ જેવા વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા હતા.