ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઓસ્ટ્રેલિયા સામેની વનડે પહેલા ઘાયલ થયો છે. ભારતીય ટીમના નેટ સેશન દરમિયાન ધોની ઇજાગ્રસ્ત થયો છે. ધોની સપોર્ટ સ્ટાફના સભ્ય રાઘવેન્દ્ર સિંહ સાથે થ્રોડાઉન લઇ રહ્યો હતો ત્યારે જમણા બાવડામાં આગળના ભાગે ઇજા થઇ. ધોનીએ નેટના લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરી હતી.
ટીમના તમામ ખિલાડીઓ ઓફિશ્યલ સેશન બાદ થ્રોડાઉન લઇ રહ્યા હતા, ત્યારે રાઘવેન્દ્રનો એક બોલ ધોનીના બાવડાના આગળના ભાગે વાગ્યો. ધોનીને દુખાવો થતાં તેણે પ્રેક્ટિસ ત્યાંથી જ અટકાવી દીધી. આ ઇજા ગંભીર છે કે નહી, ધોની પહેલી વન ડેમાં રમશે કે નહિ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો ધોની નહી રમી શકે તો વિકેટકિપિંગની જવાબદારી ઋષભ પંતના શિરે આવી શકે છે.
ધોનીની અવેજીમાં ટીમ મેનેજમેન્ટ બેટિંગ માટે બીજા ઓપ્શન ચકાસવા માગે તો કે.એલ.રાહુલ અને અંબાતી રાયડુને તક મળી શકે છે. ટી-૨૦માં હાર મેળવ્યા પછી ટીમ ઇન્ડિયાએ વનડે સીરિઝ જીતવાની કોશિશ કરી.