રાજ્યમાં નર્મદા કમાન્ડ એરિયામાં શુક્રવારે પહેલી માર્ચથી નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. ગુરુવારે છેલ્લા દિવસે ૧૪ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
શુક્રવારથી માત્ર પીવા માટે પાણી છોડવામાં આવશે. સતત બે વર્ષથી મધ્ય પ્રદેશમાંથી નર્મદા ડેમમાં આવતા પાણીમાં ઘટાડો થઈ રહ્યો છે, જેને પગલે રાજ્યમાં પાણીની અછતની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે રાજ્ય સરકારે નર્મદાના મૂળ આયોજન મુજબ ૨૮મી ફેબ્રુઆરી સુધી રવી સિઝન માટે સિંચાઈનું પાણી આપ્યું છે અને હવે પહેલી માર્ચથી બંધ કરવામાં આવશે.
ગત ૧૨ નવેમ્બરથી રવી સિઝન માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું હતું જે સતત ૩ મહિના સુધી આપવામાં આવ્યું છે. રવી સિઝન માટે કુલ ૧.૪૬ લાખ એમસીએફટી પાણી છોડવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, સિંચાઈ માટે જરૂરી પાણી આપવામાં આવી ચૂક્યું છે. અનેક મૂંઝવણો છતાં નર્મદા કમાન્ડ એરિયામાં પાણી આપ્યું છે.
ઉનાળાનો સમય અને વરસાદ ન આવે ત્યાં સુધી નર્મદાનું પાણી સુરક્ષિત રાખીને કરકસરથી પીવા માટે પાણીનો ઉપયોગ કરીશું. પીવાના પાણી માટે માગણી મુજબ પાણી છોડવાનું આયોજન કરવામાં આવશે.