ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭માં ફરી એકવાર સત્તા જાળવી રાખવામાં સફળ થયેલી ભાજપની નવી સરકારનો શપથવિધિ સમારોહ તા.૨૬મી ડિસેમ્બરના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે ગાંધીનગરના નવા સચિવાલય ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જયાં રાજયના નવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નવા પ્રધાનમંડળનો શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપ દ્વારા શપથવિધિ સમારોહને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ભાજપ સરકારના શપથવિધિ સમારોહની ભવ્યતાથી ઉજવણી કરવાનું ખાસ આયોજન કરાયું છે. ભાજપ સરકારના આ શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓની હાજરી નોંધનીય બની રહેશે. તો, દેશના ભાજપ શાસિત ૧૮ રાજયોના મુખ્યમંત્રી, પ્રધાનો સહિતના મહાનુભાવોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો સાથેની બેઠકમાં ભાજપના કેન્દ્રીય નીરીક્ષકો અરૂણ જેટલી અને સરોજ પાંડે દ્વારા ભાજપના નવા નેતા અને રાજયના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ જાહેરાત બાદ આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા, કૌશિક પટેલ, ગણપત વસાવા સહિતના ભાજપના નેતાઓની કોર ટીમે આજે મોડી સાંજે રાજયપાલ ઓ.પી.કોહલીને ભાજપની નવી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. જેને લઇ રાજયપાલે પણ ભાજપને નવી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ ભાજપની કોર ટીમ દ્વારા તેમને તા.૨૬મી ડિસેમ્બરના રોજ ગાંધીનગરના સચિવાલય ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૧-૦૦ વાગ્યે નવી સરકારના શપથિવિધિ સમારોહની જાણ કરી તેમને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું. નવી સરકારની રચના અને પ્રધાનમંડળના સભ્યોને લઇ હવે ભાજપમાં કવાયત તેજ થઇ ગઇ છે. આ બે દિવસમાં પ્રધાનમંડળમાં કોને કોને સમાવવા તે નામો નક્કી થઇ જશે. ભારે ભવ્યતા સાથે શપથવિધિ સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના આ ભવ્ય શપથવિધિ સમારોહમાં ગુજરાતભરમાંથી ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપરાંત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા સહિતની દેશના ૧૮ રાજયોની ભાજપ શાસિત સરકારમાંથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ઉદ્યોગપતિઓ સહિતના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ અને મહાનુભાવોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણીમાં ભાજપના સાત સીંટીગ પ્રધાનો હારી ગયા છે, જેમાં શંકર ચૌધરી, આત્મારામ પરમાર, ચીમન સાપરિયા, કેશાજી ચૌહાણ, શબ્દશરણ તડવી, જશા બારડ અને વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાનો સમાવેશ થાય છે, તેથી આ વખતે પ્રધાનમંડળમાં નવા ચહેરાઓને પણ સ્થાન મળશે. નવા પ્રધાનમંડળમાં કેબીનેટ કક્ષામાં જેમનું સ્થાન નિશ્ચિત મનાઇ રહ્યું છે તેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ, કૌશિક પટેલ, જયેશ રાદડિયા, ગણપત વસાવા, પ્રદીપસિંહ જાડેજા, પરસોત્તમ સોલંકી, દિલીપ ઠાકોર, બાબુ બોખીરીયાનો સમાવેશ થાય છે, જયારે રાજયકક્ષાના પ્રધાનમંડળમાં પરબત પટેલ, પંકજ દેસાઇ, ઇશ્વરસિંહ પટેલ, જેઠા ભરવાડ, જયદ્રથસિંહ પરમાર, કેતન ઇનામદાર, કિશોર કાનાણી, ગોવિંદ પટેલ, વિભાવરીબહેન દવે, વાસણ આહીર, સૌરભ પટેલ સહિતના ધારાસભ્યોનો સમાવેશ થાય તેવી શકયતા છે.