કલાકોની લાબા ઇંતેજાર બાદ વિંગ કમાંડર અભિનંદન પાકિસ્તાનથી ભારત પરત ફર્યા છે. આ પહેલા પાકિસ્તાનમાં અભિનંદનને ભારત પાછા લાવવાની તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. અભિનંદનનો ૧.૨૪ મિનિટનો એક નવો વિડિયો પણ પાકિસ્તાન સત્તાવાળાઓએ બનાવ્યો હતો જેમાં પાકિસ્તાન આર્મીને શાંતિપ્રિય કહેવાઇ છે તેમજ અનેક વાર વિડિયોને એડિટ કરાયો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લે મોડી સાંજે પાક સત્તાવાળાઓએ પાયલટ અભિનંદનને ભારતને સોંપ્યા હતા. અભિનંદન વાઘા બોર્ડરના રસ્તે ભારત આવ્યા હતા. નોંધનીય છે કે અભિનંદને આશરે ૯.૨૦ઁસ્ની આસપાસ વાઘા બોર્ડર ક્રોસ કરી હતી. હવે ભારતીય સૈન્યના અધિકારીઓ અભિનંદન સાથે જોવા મળી રહ્યા છે અને તેમને જરૂરી સાર સંભાળ માટે લઇ જવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ અભિનંદનને ભારતીય સેનાના અધિકારીઓને વાઘા બોર્ડર પર સુપરત કરાયા હતા. ભારતની ધરતી પર પગ મૂકતાં જ અભિનંદને કહ્યું હતું કે, પોતાના દેશમાં આવીને બહુ સારૂં લાગી રહ્યું છે, આ બાદ તાત્કાલિક જ તેમને મેડિકલ ચેક-અપ સહિતની પ્રક્રિયાઓ માટે લઈ જવાયા હતા.
પાકિસ્તાને ૩૦ કલાકમાં કરી મુક્તિની જાહેરાત કરવી પડી
ભારતે એવુ કડક વલણ અપનાવ્યું કે, પીએમ ઈમરાન ખાનને ૩૦ કલાકની અંદર જ ભારતીય પાયલટ અભિનંદનને કોઈ પણ શરત વગર છોડવાની જાહેરાત કરવી પડી. આજે વિંગ કમાન્ડર અભિનંદન વતન પરત ફરી રહ્યા છે. નોંધનીય છે કે, ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જ કહી દીધું હતું કે, ભારતના પાયલટ અભિનંદનને કોઈ પણ ઈજા વગર તુરંત છોડવો પડશે. સોદાબાજીનો તો સવાલ જ ઉભો થતો નથી. ભારતે કાઉન્સલર એક્સેસની માંગણી નહતી કરી પરંતુ તુરંત છોડવાની જ વાત કરી હતી. પાકિસ્તાનને ચેતવણી આપતા ભારતે કહ્યું હતું કે, જો પાયલટને કઈ પણ થયું તો તેઓ એક્શન માટે તૈયાર રહે.
ભારત આવતાં જ પરિવારને નહીં મળી શકે અભિનંદન
વાયુસેનાના રિટાયર્ડ જુનિયર વોરંટ ઓફિસર ભાસ્કર મિશ્રાએ કહ્યું કે, “વાઘા બોર્ડર પર પહોંચ્યા બાદ અભિનંદનની તેમના પરિવાર સાથે થોડા વખત માટે જ ભેટ થશે. સૌથી પહેલાં એરફોર્સની ટીમ અભિનંદનના મેડિકલ ટેસ્ટ કરશે. તપાસમાં જો તેમની સાથે કોઈ બળજબરી, ટોર્ચર કે ફિઝિકલ હેરેસમેન્ટ કરવામાં આવ્યાં હશે તો ઈન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટી તેમની તપાસ કરશે અને તે બાદ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પાકિસ્તાન વિરૂદ્ધ કેસ કરવામાં આવી શકે છે.”