શિવરાત્રિના ફળાહાર માટે બજારમાં શક્કરીયાં-બટાકાનું આગમન

783

ફળાહાર તરીકે ઉપયોગમાં લેવાતા શક્કરીયા બટાટાના નવા જથ્થાનું આણંદ સહિત ચરોતરના બજારમાં આગમન થઇ ચૂક્યું છે. જોકે શક્કરીયા બટાટાનો ઉપયોગ શાક બનાવવામાં પણ વિપુલ પ્રમાણમાં થતો હોઇ શિવરાત્રી પૂર્વે જ નવા શક્કરીયા બટાટાનો ઉપાડ થવા લાગ્યો છે. તેમજ રાજ્યના અમદાવાદ, વડોદરા સહિત અન્ય શહેરોમાં પણ જથ્થો રવાના થઈ રહ્યો છે.શિવરાત્રી આડે બે દિવસ બાકી છે, ત્યારે શિવરાત્રી પર્વ ઉપર ખૂબ ખવાતા શક્કરીયા-બટાટાનો નવો જથ્થો બજારમાં આવી ગયો છે. શિવભક્તોમાં શિવરાત્રી પર્વ નિમિત્તે ઉપવાસ અને એકટાણું કરી ફળાહાર તરીકે બાફેલાં શક્કરીયા બટાટા ખાવાનો મહિમા છે. જેથી શિવરાત્રી પર્વ ઉપર શક્કરીયા બટાટાની માંગને પહોંચી વળવા માટે વેપારીઓ અગાઉથી જ સ્ટોક કરી લેતાં હોય છે. ચરોતરના ચકલાસી અને મલાતજના બટાટા સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. આ બે ગામો ઉપરાંત બટાટાની ખેતી ખેડા, આણંદ જિલ્લાના અનેક ગામોમાં થાય છે. બટાટાનો સંગ્રહ કરવા માટે ચકલાસી, કણજરી, ઉત્તરસંડા, બોરીઆવી સહિતના ગામોમાં અનેક કોલ્ડ સ્ટોરેજ અસ્તિત્વમાં આવ્યા છે.

શિવરાત્રી પર્વ અને ત્યારબાદ પણ શક્કરીયાનું વેચાણ ચરોતરના બજારમાં થશે. આણંદ જિલ્લામાં ૧૫૦૦થી વધુ હેક્ટરમાં બટાટા અને બે હજારથી વધુ હેક્ટરમાં શક્કરીયાની ખેતી આ વર્ષે ખેડૂતો દ્વારા કરવામાં આવીછે. અને હેક્ટરે ૧૨૫થી ૧૫૦ મણનો ઉતારો મળી રહ્યો છે. માર્કેટમાં છૂટકમાં બટાટા રૂપિયા ૧૫ થી ૨૦ અને શક્કરીયા છુટકમાં રૂ.૩૦ થી ૪૦માં મળી રહ્યા છે. શેરી મહોલ્લામાં બટાટા, શક્કરીયા ભરીને આવતા નાનાં ખેડૂતો અને વેપારીઓ પાસેથી લોકો શિવરાત્રીને ધ્યાનમાં રાખીને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

Previous articleગુજરાત : સ્વાઈન ફ્લુનો આતંક જારી, વધુ ૪ મોત
Next articleપાટીદારોના વિશ્વઉમિયાધામમાં હશે મંદિર સિવાય ૧૩ સુવિધાઓ