હરિયાણાના માર્ગે ગુજરાતમાં દારૂની વધેલી દારૂની હેરફેર વચ્ચે ચિલોડા પોલીસે ફરીથી પાટનગર નજીકથી જ દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બામતીના આધારે મહુન્દ્રા ચોકડી ખાતેથી ટ્રકમાં ભરેલા ૩૮.૬૪ લાખના દારૂ સાથે ૪૮.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખસને ઝડપી લીધા છે.
ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ યુવરાજસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં તેમનો સ્ટાફ હાલના સંજોગોને ધ્યાને લઈને સઘન વાહન ચેકિંગ કરી રહ્યો છે. ત્યારે ગુરૂવારે રાત્રે હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ બાતમી મળી હતી કે પ્રાંતિજ તરફથી એક ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરીને ચિલોડા બાજુ આવી રહ્યો છે. જેના આધારે ચિલોડા પોલીસે મહુન્દ્રા ચોકડી ખાતે નાકબંધી કરી ટ્રકને ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકમાં ચેક કરતાં ૭૩૦ પેટીઓમાં વિદેશીદારૂની ૮૭૬૦ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રકમાં રહેલાં હરિયાણાના ગુરાક્ષર ગામના રહેવાસી આબિદ મજીદ મેઉ અને સૌકતઅલી નવલખાન મેઉ એમ બંને શખસની ધરપકડ કરી ૩૮.૬૪ લાખના દારૂ, ૧૦ લાખનો ટ્રક અને એક મોબાઈલ મળી કુલ ૪૮.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ઝડપાયેલા બંને આરોપી સાથે વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાનના ચિત્તોડગઢના નિભાહેરીનમાં રહેતા સાજીદખાન નવાબખાન અને દારૂ મંગાવનાર ભૂપેન્દ્ર સહિત કુલ ચાર સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે દારૂ આપનાર અને મંગાવનાર બંનેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચિલોડા પોલીસે મહુંદ્રા પાટિયા પાસેથી ટ્રકમાંથી ૭૩૦ પેટી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડતા આ વિસ્તાર સહિત જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરમાં જિલ્લામાં દારૂના નાના-મોટા કેસ સાથે પાંચ જેટલા મસમોટો દારૂનો જથ્થા ઝડપાયો છે. જેમાં ૧૯ જાન્યુઆરીએ કલોલમાં વેડા ગામની સીમમાંથી ૨૮ લાખ, ડભોડા પાસેથી ૧૯ લાખ અને ચિલોડા પાસેથી ૫.૬૦ લાખનો દારૂ ઝડપાયો હતો. તો ૧૬ ફેબ્રુઆરીએ સેક્ટર-૪માંથી ૫ લાખ, ૨૪ ફેબ્રુઆરીએ છત્રાલમાંથી ૨૯ લાખનો દારૂ ઝડપાયો હતો. ત્યારે ફરીથી ૨૮ લાખની કિંમતનો દારૂ ઝડપાતા શંકા સેવાઈ રહી છે કે લોકસભાની ચૂંટણી નજીક આવતા દારૂની હેરાફેરી વધી ગઈ છે. કારણ કે ગાંધીનગર જિલ્લામાં જ છેલ્લા બે દોઢ માસમાં જ અંદાજે છ જેટલી મોટા કેસોમાં કુલ ૧ કરોડથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો છે.ત્યારે આ મામલે લોકોમાંંં હાલ અનેકવિધ અટકળો ચાલી રહી છે.