આગામી ૪ માર્ચે શરૂ થનારી અમદાવાદ મેટ્રો સેવાના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં થી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ કપાયું છે. નીતિન પટેલનું નામ કપાતા તેમના પર ’રાજકીય સ્ટ્રાઇક’ થઈ હોવાની ગાંધીનગરના રાજકીય આલમમાં ચર્ચા થઈ રહી છે. આ અગાઉ વી.એસ. હૉસ્પિટલના લોકાર્પણ વખતે પણ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ કપાયા બાદ ફરી એક વાર તેમનું નામ કપાતા નીતિન પટેલને જાણીબુજીને “સાઇડ ટ્રેક” કરાઈ રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આગામી ૪ માર્ચે વડા પ્રધાન મોદી અમદાવાદ મેટ્રોના ફેઝ-૧નું લોકાર્પણ કરવાના છે. આ આમંત્રણપત્રિકામાં વડા પ્રધાન, રાજ્યપાલ, મુખ્ય મંત્રી, કેન્દ્રી મંત્રી હરદિપસિંહ પુરીના નામનો જ અતિથિ તરીકે ઉલ્લેખ છે. આ બાબત જાણી જોઈને કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ આમંત્રણ પત્રિકામાં જાપાનના રાજદૂત, અને અમદાવાદના મેયરના નામનો પણ ઉલ્લેખ છે, પરંતુ નાયબ મુખ્ય મંત્રીનું નામ કપાયું છે.
આગામી લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર કે અન્ય બેઠક પરથી લડાવી દિલ્હી મોકલી દેવામાં આવે તેવી ચર્ચા છે. નીતિનભાઈનું છાશવારે નામ કપાતું હોઈ અને પોતાનાથી જુનિયર એવા મુખ્યમંત્રી રૂપાણીના વડપણ હેઠળ કામ કરવાનું તેમને આવતું હોઈ, તેઓ પણ બદલાની ભાવનાથી અનેક મહત્ત્તવપૂર્ણ ફાઇલો નાણા વિભાગ અટકાવી દેતા હોવાની ચર્ચા સચિવાલય સંકુલમાં જોરશોરથી ચાલે છે.
નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો બંધારણીય રીતે માન્ય નથી હોતો તેથી કોઈ પણ સરકારી કાર્યક્રમમાં તેમનું નામ લખવું ટેક્નિકલી ફરજીયાત નથી હોતું। જો કે એક સમજના ના ભાગરૂપે ઘણુંખરું બંને વરિષ્ઠ નેતાઓ સમજણથી આગળ વધે તેવું ઇચ્છનીય હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી એવું ચર્ચાય રહ્યું છે કે, મુખ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેના ખટરાગના કારણે વારંવાર તેમનું નામ આમંત્રણ પત્રિકામાંથી કાપી તેમને કટ-ટૂ સાઇઝ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.