પીઢ ભાજપી નારણ પટેલ અને શંકરસિંહ વાઘેલાની ડીનર ડિપ્લોમસીઃવાતાવરણ ગરમાયુ

1385

મહેસાણાના સોશિયલ મીડિયામાં ઊંઝાનું રાજકારણ ફરી ગરમાયું છે. તાજેતરમાં જ એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જેમાં આ વખતે પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું નામ પણ સામેલ છે. સોશિયલ મીડિયામાં ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ શંકરસિંહ વાઘેલા સાથે જોવા મળતા વાત ચર્ચાના ચગડોળે ચઢી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શંકરસિંહ વાઘેલા અને નારાયણ પટેલ વચ્ચે મુલાકાત થઈ છે. આ મુલાકાત નારાયણ પટેલના ઘરે થઈ હતી. બંનેએ સાથે જમણવાર પણ કર્યો હતો.

ઉંઝા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના ઘરે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભોજન કર્યું છે એ તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે. નારાયણ પટેલે આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું કે, અમારી વચ્ચે ૫૦ વર્ષની ગાઢ મિત્રતા છે. આ એક ઔપચારિક મુલાકાત હતી, અમારો જૂનો સંબંધ છે. જોકે, આ મુલાકાત પાછળ સૂત્રોનું કહેવુ છે કે, આશા પટેલના ભાજપના જોડાયા બાદ નારાયણ પટેલ ભારે નારાજ છે. એપીએમસીની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેમાં તેમની ૨૧ મંડળીઓ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવી છે, ત્યારે નારાયણ પટેલ આ મામલે નારાજ છે. તેથી શંકરસિંહ સાથેની મુલાકાતમાં કોઈ ખીચડી રંધાઈ હોય તેવું કહેવાઈ રહ્યું છે. આમ કહેવા જઈએ તો બે મિત્રો વચ્ચેની મુલાકાત હતી, પણ કહેવામાં આ મુલાકાત પાછળ અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે.

Previous article૫ીએમની હાજરીના પ્રોગ્રામમાં નિતીન પટેલનું આમંત્રણ પત્રિકામાંથી વધુ એક વાર નામ કપાયું
Next articleઅમદાવાદથી પસાર થતી ૧૪ ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે