નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થતાં કેનાલમાંથી આપવામાં આવતા સિંચાઈ માટેના પાણીને બંધ કરવામાં આવ્યું છે. નર્મદા ડેમની જળસપાટી ઘટીને ૧૧૫.૦૭ મીટરે પહોંચી ગઈ છે. જેના કારણે ૧૮ લાખ હેક્ટરમાં સિંચાઈનું સંકટ ઉભું થયું છે.
મુખ્ય કેનાલમાં ૧૩૭૪૧ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું. જે ઘટાડીને ૯૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં પણ આગામી ૪થી ૫ દિવસમાં ઘટાડો કરીને ૬ હજાર ક્યુસેક કરી દેવામાં આવશે. ડેમની જળ સપાટીમાં ઘટાડો થતાં કેનાલના પાણી સિંચાઈ માટે નહીં આપવામાં આવે.રાજ્યમાં જળસંકટને લઇ ચિંતાના વાદળો ઘેરાયા છે. ઉનાળાની શરૂઆત પહેલા જ ગુજરાતના ડેમોમાં ખાલી થવા માંડ્યા છે. ઉનાળામાં રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ અતિ ગંભીર બની શકે છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડેમોની સ્થિતી સૌથી ખરાબ છે. માલધારીઓ અને આમ જનતાના પાણી માટે વલખા મારવા પડશે.
કચ્છની ૨૦ યોજનાઓમાં માત્ર ૧૦.૫૨ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. સૌરાષ્ટ્રની ૧૩૮ નાની-મોટી યોજનામાં માત્ર ૨૦.૫૭ ટકા જ પીવાનું પાણી છે. ઉત્તર ગુજરાતની ૧૫ યોજનાઓમાં માત્ર ૨૫.૨૬ ટકા પાણી બચ્યું છે. દક્ષિણ-મધ્ય ગુજરાતની પીવાના પાણીની સ્થિતિ એકંદરે સારી છે. વધુ વરસાદવાળા દક્ષિણ ગુજરાતમાં ૩૬.૯૦ ટકા પાણી બચ્યું છે.
કફોડી સ્થિતી સામે પણ તંત્રનો પૂરતા પાણીના જથ્થાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતની જીવાદોરી નર્મદા નદીમાં હાલ ૪૪.૨૨ ટકા પાણીનો જથ્થો છે. નર્મદામાં દરરોજ ૫ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૧૬ હજાર ક્યુસેક જાવક છે. નર્મદા ડેમમાં હાલ ૧૧ હજાર ૧૫૧ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો છે. અછતગ્રસ્ત અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં નર્મદા જીવાદોરી સમાન છે. પીવાના પાણી અને ખેતી માટે નર્મદાનું પાણી આપવામાં આવે છે.
દ્વારકા જિલ્લામાં લાઇવ પાણીનો સૌથી ઓછો માત્ર ૦.૦૧ ટકા જ બચ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ૧૨.૦૨ ટકા જથ્થો બચ્યો છે. કચ્છ જિલ્લામાં માત્ર ૧૦.૫૨ જ પાણીનો જથ્થો બચ્યો છે. પોરબંદર જિલ્લાના ડેમમાં માત્ર ૪.૪૪ ટકા પાણી વધ્યું છે. જામનગરમાં ૫.૦૭ ટકા અને બોટાદ ૩.૨૧ ટકા જ પાણી વધ્યું છે. અમરેલીમાં માત્ર ૨૨ ટકા જ પાણીનો જથ્થો વધ્યો છે. ગુજરાતમાં પાણીની સ્થિતિ વિકટ બની રહી છે.