પાકિસ્તાનના જુઠ્ઠાણાથી જ પાક વિમાન અંધારામાં ગુમ

484

પાકિસ્તાનમાં ફસાયેલા વિંગ કમાન્ડર અભિનંદન ભારતમાં પરત ફરીને લોકોના દિલો દિમાગ ઉપર છવાઈ ગયા છે. તેમનું હીરોનું જેમ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જ્યારે અભિનંદને જે એફ-૧૬ વિમાનને તોડી પાડ્યું હતું તે વિમાનના પાયલોટને લઈને પાકિસ્તાન ભારે દુવિધાભરી સ્થિતિમાં છે.

પાકિસ્તાનના જુઠ્ઠાણાના કારણે પાકિસ્તાની પાયલોટ અંધારામાં ખોવાઈ ગયા છે. પાકિસ્તાનના એફ-૧૬ વિમાનના પાયલોટ ક્યાં છે તે અંગે કોઈ માહિતી મળી રહી નથી. આ પાયલોટ જીવિત છે કે કેમ તેને લઈને વિગત આપવામાં આવી રહી નથી.

પાકિસ્તાન તરફથી અથવા તો ત્યાંના મીડિયા તરફથી પણ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાને ભારતના બે વિમાનોને ટાર્ગેટ બનાવીને બે પાયલોટોને કસ્ટડીમાં લેવાની શરૂઆતમાં વાત કરી હતી. આ જુઠ્ઠાણાનો પર્દાફાશ થઈ ગયો હતો. આના કારણે પાકિસ્તાનના પાયલોટની મુશ્કેલી વધી ગઈ છે. અમેરિકાએ પણ એફ-૧૬ વિમાનના ઉપયોગને લઈને પાકિસ્તાન પાસેથી તમામ માહિતી માંગી છે. વિંગ કમાન્ડર અભિનંદને જે વિમાન પાકિસ્તાનના એફ-૧૬ને તોડી પાડ્યું હતું તેના પાયલોટનું નામ વિંગ કમાન્ડર શહેજાજુદ્દીન હતું. થોડાક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદને એફ-૧૬ વિમાનને તોડી પાડ્યું ત્યારે આ પાયલોટ પણ પેરાશૂટ મારફતે કુદીને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પહોંચ્યો હતો. બિનસત્તાવાર અહેવાલ મુજબ સ્થાનિક લોકોએ આ પાયલોટને માર મારીને મારી નાખ્યાના સમાચાર પણ મળી રહ્યા છે. અલબત્ત પાકિસ્તાને હજુ સુધી આ વાત સ્વીકારી નથી. પાકિસ્તાને ભારતની સામે અભિયાનમાં એફ-૧૬ વિમાનના ઉપયોગની બાબતને પણ નકારી હતી પરંતુ મોડેથી ભારતે આના પણ પુરાવા રજુ કરી દીધા હતા. પાકિસ્તાને એફ-૧૬ વિમાનથી ભારતની હદમાં હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ આને તોડી પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાને કોઈ વિમાનને તોડી પાડ્યાની વાત સ્વીકારી ન હતું પરંતુ કાટમાળ મળ્યા બાદ આ વાત સ્વીકારવામાં આવી હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અબ્દુલ ગફુરે કહ્યું હતું કે એક પાયલોટ કસ્ટડીમાં છે અને બીજા પાયલોટ ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં છે.

મોડેથી ગફુરે નિવેદન બદલી કાઢીને કહ્યું હતું કે તેમની પાસે ભારતના માત્ર એક પાયલોટ છે. અહેવાલ મુજબ જે પાયલોટ હોસ્પિટલમાં હોવાની વાત કરવામાં આવી હતી તે પાકિસ્તાની પાયલોટ હતો. જેનું મોત થઈ ચુક્યું છે. ભારતે નિવેદન જારી કરીને કહ્યું હતું કે ડોગ ફાઈટમાં તેનું એક વિમાન તૂટી પડ્યું હતું. જ્યારે એક પાયલોટ મિસીંગ છે. ભારતે એવી કબુલાત પણ કરી હતી કે પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પડાયું છે જેનો કાટમાળ મળી આવ્યો હતો.

Previous articleએર સ્ટ્રાઈક : કેજરીવાલ ઉપર વિશ્વાસના પ્રહારો
Next articleજમાત ઉપર પ્રતિબંધ મુકાતા મહેબુબાના કેન્દ્ર સામે દેખાવ