સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને પાકિસ્તાનની કસ્ટડીમાં ૬૦ કલાક ગાળ્યા બાદ પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. સંરક્ષણ મંત્રીએ આજે બપોરે દિલ્હી સ્થિત સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ પહોંચીને અભિનંદનની તબિયત અંગે માહિતી મેળવી હતી. પાકિસ્તાનની કસ્ટડીમાંથી શુક્રવારે મોડી રાત્રે પરત ફરેલા અભિનંદનના મેડિકલ ચેકઅપનો દોર ચાલી રહ્યો છે. મેડિકલ ચેકઅપમાં હજુ સુધી અભિનંદન સંપૂર્ણપણે ફિટ દેખાઈ રહ્યા છે. આવતીકાલે રવિવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે. નિર્મલા સીતારામને હોસ્પિટલમાં પહોંચીને તેમના સાહસની પ્રશંસા કરી હતી.
ગઈકાલે પાકિસ્તાનની કસ્ટડીમાંથી છુટીને પરત ફર્યા બાદ સીતારામને ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમના પર દેશને ગર્વ છે. સમગ્ર દેશના લોકો તેમના સાહસને સલામ કરે છે. વિકટ પરિસ્થિતિ હોવા છતાં જુસ્સો જાળવી રાખ્યો હતો. દેશના યુવાનો માટે અભિનંદન હવે પ્રેરણા સમાન બની ગયા છે. દેશના યુવાનો માટે પણ આગામી દિવસોમાં પ્રેરણાસમાન બની રહેશે. શુક્રવારે ૧૧.૪૫ વાગે નવી દિલ્હી પહોંચ્યા બાદ તેમને તરત જ એરફોર્સ સેન્ટ્રલ મેડિકલ હોસ્પિટલ લઈ જવાયા હતા. આજે સવારે મેડિકલ ટેસ્ટ કરાયા હતા. ભારત પરત ફરેલા અભિનંદનની આંખની નીચે સોજા નજરે પડ્યા હતા. પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓની સમક્ષ પણ ખૂબ જ સાહસ અને બહાદુરીપૂર્વક જવાબ આપ્યા હતા. તેમના સાહસ માટે દેશના લોકો તેમને સલામ કરી રહ્યા છે. અભિનંદનની ચર્ચા દેશભરમાં ચારે બાજુ જોવા મળે છે.