ઓગણીસમી સદીના આરંભે સંપાદિત એક ઐતિહાસિક ગ્રંથ : વચનામૃત

851

શાસ્ત્રોના ઉદ્બોધન અને તેના શ્રવણની પરંપરા અતિ પ્રાચીન છે. તે અનુસાર ભગવાન સ્વામિનારાયણ જે ઉપદેશ આપતા તે કેટલાક સંતો-ભક્તો નોંધી લેતા હતા. પછી સૌ આશ્રિતજનોની વિનંતીને લીધે સૌને આ સદુપદેશ કાયમ માટે ઉપયોગી બને, તે માટે તેને ગ્રંથસ્થ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તથા શુકમુનિ આ ચાર સમર્થ સંતોને આજ્ઞા કરી હતી. આ સંતોને મહારાજે સંપ્રદાયમાં અગ્રેસર સદ્ગુરુપદે સ્થાપ્યા હતા. તેમના કારુણ્યવાતસલ્યાદિ સદ્ગુણોની સાથે સાથે તેમની સાધુતાસભર વિદ્વત્તા પણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ હતી. તેમની અનેક પ્રકારની આગવી વિશેષતાઓથી સમગ્ર રાજ્ય સુપરિચિત હતું. જેની નોંધ તે વખતના બ્રિટીશ ઇતિહાસકારોએ પણ લીધી છે. વચનામૃતના આ સંપાદક સંતોની વિશેષતાઓ સમજીએ.

આ સંપાદક સંતો કોઈ વેતન લઈને સંપાદન કરનારા માણસો ન હતા, પરંતુ ભગવાન સ્વામિનારાયણને સમર્પિત સંતો હતા. તેમણે જગતમાં માન-મોટપ કે સત્તા-સંપત્તિ-કીર્તિનો તો ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં જીવન હોમી દીધેલું તેથી તેમને આ સંપાદન કાર્યમાં પોતાની કોઈ મહત્તા વધારવાનો કે અન્ય કોઈ સ્વાર્થ નહોતો. તેમણે આ સંપાદન કાર્ય કેવળ પોતાના ઈષ્ટદેવ એવા ભગવાન સ્વામિનારાયણને જ રાજી કરવા માટે નિઃસ્વાર્થભાવે, પોતાના અને અન્યના કલ્યાણાર્થે કેરેલું છે. તેઓએ ભગવાન સ્વામિનારાયણને પોતાના ઈષ્ટદેવ માનીને તેમની આરાધના-ભક્તિ-ઉપાસના જીવનભર કરી છે. તેથી પોતાના ઈષ્ટદેવને ન ગમે તેવું મન-કર્મ-વચને કોઈ અઘટિત કાર્ય ક્યારેય ક્યાંય પણ ન કરે તે સ્વભાવિક છે. સર્વજ્ઞ છે. વિશેષ તો ભગવાન અંતર્યામી છે, બધું જ તેઓ જુએ છે, જાણે છે, અમારી સાથે જ છે. એવા જાણપણા અને અનુસંધાન સાથે વર્તનારા આ પરમહંસોનું સમગ્રજીવન જ અતિઉત્કૃષ્ટ પ્રામાણિકતાથી પૂર્ણ છે.

આ પરમહંસો તો સદ્ગુરુઓ હતા, વડીલો હતા, પ્રતિષ્ઠિત હતા, જો તેઓ પ્રામાણિક ન હોત તો પોતાનું હીણું દેખાય તેવા પ્રશ્નો ભરસભામાં ભગવાન સ્વામિનારાયણને પૂછ્યા જ ન હોત. સમગ્ર વચનામૃત ગ્રંથના મુક્તાનંદ સ્વામીએ ૯૧, ગોપાળાનંદ સ્વામીનએ ૧૧, નિત્યાનંદ સ્વામીએ ૨૫ અને શુકાનંદ સ્વામીએ ૨૧ પ્રશ્નો પૂછ્યા છે. તેમણે ભરસભામાં પોતપોતાનામાં રહેલ કોઈક કચાશ કે કસર વિશે પ્રશ્નો પૂછીને ભગવાન સ્વામિનારાયણ પાસેથી માર્ગદર્શન માગ્યું છે. જે આજે સમગ્ર માનવજાત માટે ઉપકારક બન્યું છે. જો પોતે એનું સંપાદન કરનાર હોય અને પોતે પ્રમાણિક ન હોય તો આવા પ્રશ્નોનું સંપાદન કરીને ગ્રંથસ્થ તો કરી જ ન શકે.

ઘણાં વચનામૃતોમાં ભગવાન સ્વામિનારાયણે પૂછેલા પ્રશ્નો આપી શક્યા નથી, અથવા તો પુછાયેલા પ્રશ્નોનું એમનાથી યથાર્થ સમાધાન થયું નથી, એવો ઉલ્લેખ જુદા જુદા વચનામૃતોમાં જોવા મળે છે(વર.૩, વર.૪, લોયા ૨). જો સંપાદકો પ્રામાણિક ન હોત તો પોતાની વિદ્વત્તાભરી પ્રતિષ્ઠાને ઝાંખપ આવે એવા આ પોતાના નામનિર્દેશ સહિતના ઉલ્લેખ એમણે કર્યા ન હોત. જો સંપાદકવૃંદે ધાર્યું હોત તો પોતાની મહત્તાને ઝાંખી કરનાર અને ન્યૂનતા તથા ક્ષતિને પ્રકાશિત કરનાર પ્રસંગોપાત્ત થયેલ વાતોને પણ સંપાદકવૃદે લીધી ન હોત. પરંતુ એવું એમણે કર્યું નથી, કારણ કે તેઓ પ્રમાણિક હતા. તેમણે પોતાની મહત્તા કરતા ભગવાન સ્વામિનારાયણની પરાવાણીની મહત્તા વધે તે જ વિચાર્યું છે. ભગવાન સ્વામિનારાયણે સ્વયં ઉચ્ચારેલા કૃપાવચનોને જેમ છે તેમ રાખવાનો ભગીરથ પુરુષાર્થ આ પરમહંસોએ કર્યો છે, તે સ્પષ્ટપણે આપણને વચનામૃતના અભ્યાસ પરથી સમજાય છે.

આ રીતે મહારાજની પરાવાણીરૂપ જ્ઞાનોપદેશામૃતના સંપાદન કાર્યમાં સંપાદક પરમહંસોની નિષ્ઠાપૂર્વકની ભક્તિ અને પ્રામાણિક્તાને લીધે પણ સમગ્ર વચનામૃત ગ્રંથની પ્રમાણભૂતતાના અનેક ગણો વધારો થઈ જાય છે. આધ્યાત્મિક માર્ગે ચાલનાર મુમુક્ષુ હોય કે પછી સિદ્ધ કક્ષાના યોગી હોય, આધુનિક યુગનો મુંઝાયેલ માનવી હોય કે પછી અશિક્ષિત ખેડૂત હોય, વચનામૃત દરેક માટે ઉપયોગી છે.(ક્રમશઃ)

Previous articleકુલીંગ ડાઉનની પ્રક્રિયા હેઠળ અભિનંદનના ટેસ્ટ જારી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે