સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓને નર્મદાનાં નીર મળી રહે, એ હેતુસર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સૌની યોજના- સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના-ના બીજા તબક્કા અંતર્ગત આગામી તા. ૭ માર્ચના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભાવનગરના શેત્રુંજી ડેમમાં નર્મદાનાં નીર ઠાલવવાના સંભવિત્ કાર્યક્રમના આયોજન માટેની અગત્યની બેઠક ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ વિવિધ કચેરીઓના સંલગ્ન અધિકારીઓને જવાબદારીની સોંપણી કરી હતી. જે અંતર્ગત હેલિેપેડ, સ્ટેજ, ઉપસ્થિતો માટે બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, આરોગ્ય અને સ્વચ્છતા, પરિવહન, વીજ પુરવઠો, પીવાનું પાણી તેમજ સભાસ્થળની સુરક્ષા અને સલામતી માટે વિવિધ વિભાગો કામગીરી ફાળવવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ, જિલ્લા પોલીસ અધિક્ષક રાઠોડ, સૌની યોજનાના ઇન્ચાર્જ અને સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયર મકવાણા, કાર્યપાલક ઇજનેર એસ.જી. પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી તાવિયાડ, પાણીપુરવઠાના કાર્યપાલક ઇજનેર બોદાર સહિત ઉપસ્થિત રહ્યા હતાં.