આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી : લોકો ઉત્સાહિત

721

આવતીકાલે મહાશિવરાત્રિ છે એટલે, દેવાધિદેવ મહાદેવ, ભોળાનાથને પ્રસન્ન કરવાનો અતિ પવિત્ર અને અનન્ય મહાત્મ્ય ધરાવતો દિવસ. વર્ષો બાદ એવો સંયોગ આવ્યો છે કે, મહાશિવરાત્રિ સોમવારે આવી રહી છે. જો કે, મહાશિવરાત્રિ વ્રત નક્ષત્ર પ્રમાણે, મંગળવારે તા.૫મી માર્ચે રાખવામાં આવશે. આ વખતે મહાશિવરાત્રિ આવી રહી છે. આવતીકાલે સોમવારે સાંજે ૪-૨૯ મિનિટથી ચતુર્દશી તિથિ છે, જે મંગળવાર સાંજે ૭-૦૮ મિનિટ સુધી રહેશે અને તેના કારણે અર્ધરાત્રિવ્યાપિની ગ્રા એટલે મધ્યરાત્રિ અને ચતુર્દશી તિથિના યોગને લઇ તા.૪થી માર્ચે જ મહાશિવરાત્રિની ઉજવણી કરાશે. વર્ષો બાદ આવતીકાલે સોમવારના પવિત્ર દિને મહાશિવરાત્રિ આવી હોવાથી તેનું મહત્વ પણ ઘણું વધી જાય છે. આવતીકાલે મહાશિવરાત્રિના પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવમંદિરોમાં શિવજીના અભિષેક-બિલીપત્રની પૂજા, આરતીના વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર, દ્વારકા પાસે નાગેશ્વર મહાદેવ સહિતના તીર્થધામોમાં આવતીકાલે મહાશિવરાત્રિને લઇ ભોળાનાથની વિશેષ પૂજા-આરતી અને મહામૃત્યુંજય યજ્ઞ સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.  મહાશિવરાત્રિના પર્વને લઇ આવતીકાલે સોમનાથ મહાદેવ ખાતે ભકિતનું ઘોડાપૂર ઉમટશે. આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના ભકિતનાદથી ગુંજી ઉઠશે. શહેરના એસ.જી.હાઇવે પર થલતેજ વિસ્તારમાં કૈલાસ માનસરોવરધામ, ગણેશ ગ્રાઉન્ડ, ઝાયડસ હોસ્પીટલની બાજુમાં ૨૭ લાખ રૂદ્રાક્ષમાંથી નિર્માણ કરાયેલા સવા ૩૫ ફુટ ઉંચા વિશાળ મહાશિવલીંગના આવતીકાલે મહાશિવરાત્રિના પવિત્ર દિને દર્શન એ સૌ શ્રદ્ધાળુ ભકતો માટે અનેરો લ્હાવો છે. આવતીકાલે તા.૪ માર્ચ મહાશિવરાત્રીનાં પાવન દિવસે વિશિષ્ટ મહાપૂજા, મહાઅભિષેક, મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલે મહાશિવરાત્રિના પવિત્ર પર્વ દરમ્યાન શિવકથામાં ધામધૂમ પૂર્વક ભગવાન શિવ અને પાર્વતીનાં વિવાહ ઉત્સવ મનાવવામાં આવશે. મહાશિવરાત્રિ મહોત્સવ સમિતી અમદાવાદ અને સૌ શ્રધ્ધાળુ શિવભક્તોનાં સહયોગથી આયોજિત મહાશિવરાત્રિ મહોત્સવ તેમ જ આ ભગીરથ શિવકથા, દર્શન- અભિષેક અને મહારુદ્ર યજ્ઞના ત્રિવેણી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ભાગ લેવા સૌભકતોને જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.  સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર આ વર્ષે મહાશિવરાત્રિના પર્વને લઇ ખાસ કરીને ભકતોને ભોળાનાથના શાંતિથી દર્શન થઇ શકે તે હેતુથી અવિરતપણે ૪૨ કલાક ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો, સોમનાથ મંદિર અને સમગ્ર પરિસરને ઝળહળતી રોશની અને અનેક આકર્ષણોથી શણગારી નયનરમ્ય રીતે સુશોભિત કરાયું છે.સોમનાથ મંદિરના ધ્રુવભાઇ જોષીએ એ જણાવ્યું હતું કે, આજે તા.૩જી માર્ચે ૭-૩૦ વાગ્યાથી મહામૃત્યુજંય યજ્ઞનો પ્રારંભ થશે. આવતીકાલે મહાશિવરાત્રિનું પવિત્ર પર્વ હાઇ વહેલી પરોઢે ચાર વાગ્યે સોમનાથ દાદાની ભવ્ય પૂજા-આરતી થશે, ત્યારબાદ સવારે ૬-૦૦ વાગ્યે મહાશિવરાત્રિને લઇ ખાસ મહાપૂજા, સવારે ૭-૦૦ વાગ્યે સોમનાથ મહાદેવની ભવ્ય આરતી, સવારે ૭-૩૦ વાગ્યે મહામૃત્યુંજય યજ્ઞ, સવારે ૮-૦૦ વાગ્યે મંદિરનો ધ્વજારોહણ, ૮-૩૦ વાગ્યે હોમાત્મક લઘુરૂદ્રના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સવારે ૯-૦૦ વાગ્યે સોમનાથ દાદાની પાલખી યાત્રા નીકળશે, જેમાં એક યાત્રા મંદિર પરિસરમાં અને એક વેરાવળથી નીકળશે.

બપોરે ૧૨-૦૦ વાગ્યે દાદાની મધ્યાહ્ન આરતી, સાંજે ૪થી ૮-૩૦ સુધી શૃંગારદર્શન, સાંજે ૭-૦૦ વાગ્યે સંધ્યા આરતી ત્યારબાદ મહાશિવરાત્રિને લઇ રાત્રએ ૯-૩૦ વાગ્યે પ્રથમ પ્રહરની આરતી, ૧૨-૩૦ વાગ્યે દ્વિતીય પ્રહરની, રાત્રે ૩-૩૦ વાગ્યે તૃતીય પ્રહર અને તા.૫મી માર્ચે વહેલી સવારે ૫-૩૦ વાગ્યે ચતુર્થ પ્રહરની આરતી કરવામાં આવશે. પવિત્ર જયોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ ખાતે પણ આવતીકાલે મહાશિવરાત્રિને લઇ મહાપૂજા, આરતી સહિતના વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. તો, આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત પૌરાણિક ધોળેશ્વર મહાદેવ ખાતે દર્શનાર્થે જશે અને ત્યાં ધોળેશ્વર મહાદેવની વિશેષ પૂજા-આરતી કરશે. વડાપ્રધાની મુલાકાતને લઇ મંદિર ટ્રસ્ટ અને સત્તાધીશો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યા છે. આ જ પ્રકારે આવતીકાલે મહાશિવરાત્રિના પવિત્ર પર્વને લઇ શહેરના લોગાર્ડન વિસ્તારમાં આવેલા સમર્થેશ્વર મહાદેવ, સોલારોડ પર આવેલા નીલકંઠ મહાદેવ, સેટેલાઇટના બિલેશ્વર મહાદેવ, રાયપુર વિસ્તારના ચકલેશ્વર મહાદેવ, રખિયાલના ચકુડિયા મહાદેવ, ઇશ્વરભુવન પાસેના ચંદ્રમૌલેશ્વર મહાદેવ, સેન્ટઝેવિયર્સ લોયલા, મેમનગર પાસેના કામનાથ મહાદેવ, નારણપુરા અંકુર ચાર રસ્તા પાસેના કામેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં ભોળાનાથની પૂજા, આરતી અને અભિષેકના વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. પ્રાંતિજ પાસેના સુપ્રસિધ્ધ માર્કેન્ડેશ્વર મહાદેવ, ગાંધીનગર સ્થિત કોટેશ્વર મહાદેવ, ધોળેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં પણ ભોળનાથની વિશેષ પૂજા-આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. આવતીકાલે શિવમંદિરોમાં ભોળાનાથના શિવલિંગને જળ અને દૂધ ઉપરાંત, બિલીપત્ર ચઢાવી પંચામૃત અભિષેક કરાશે તો, આવતીકાલે ધનધાન્યાદિનો પણ અભિષેક કરવામાં આવશે. ભોળાનાથ એ દેવોના પણ દેવ છે એટલે તો એ દેવાધિદેવ કહેવાય છે. તેમનું નામ જ ભોળનાથ છે એટલે કે, સ્વભાવના ભોળા હોવાથી ભકતો પર જલ્દીથી પ્રસન્ન થાય છે. આવતીકાલે મહાશિવરાત્રિની સાચા દિલથી પૂજા ભકિત કરનારની ભોળાનાથ અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે અને તેથી જ આવતીકાલનો મહાશિવરાત્રિનો અવસર શ્રધ્ધાળુ ભકતો માટે ભોલેબાબા પાસેથી વરદાન માંગવાનો સોનેરી લ્હાવો છે, મહાશિવરાત્રિની પૂજાનું શાસ્ત્રોકત દ્રષ્ટિએ પણ અનન્ય મહાત્મ્ય છે.

Previous articleગુજરાતમાં કિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ લોકોના મોત
Next articleડુપ્લીકેટ ચૂનાની ફેક્ટરી પર દરોડા, ૨૦ લાખનો મુદ્દામાલ કબજે