અરબી સમુદ્રકાંઠે બિરાજમાન દેવાધિ દેવ સોમનાથ મહાદેવનાં સાંનિઘ્યમાં તા.૪ને સોમવારનાં રોજ મહાશિવરાત્રીની વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રી નાં દિવસે ભાવિકોનાં ઘસારાને ધ્યાને લઇ સોમનાથ મંદિર વહેલી સવારે ૪ વાગ્યે ખુલ્યા બાદ સળંગ ૪૨ કલાક સુઘી ખુલ્લુ રહેશે. જે દરમિયાન મહાદેવને ધજારોહણ, આરતી સહિત ચાર પ્રહરની મહાપૂજા-આરતી થશે. પ્રથમ આદિ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવા માટે થઇ રહેલી તૈયારીઓ અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્ટનાં જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, તા. ૪ ને સોમવારે વહેલી સવારે ૪ વાગ્યે મંદિરનાં દ્વાર ભાવિકો માટે સળંગ ૪૨ કલાક ખુલ્લા રહ્યા બાદ બીજા દિવસે એટલે કે મંગળવારની રાત્રે ૧૦ વાગ્યે બંધ થશે. શિવરાત્રીને ધ્યાને લઇ ભાવિકો શિવભક્તિ કરી શકે તે માટે તા. ૩ અને ૪ બે દિવસ મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયુ છે. સમગ્ર વર્ષમાં કરેલ શિવપુજા જેટલુ પુણ્ય માત્ર શિવરાત્રીનાં દિવસે શિવ પૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થતુ હોવાથી તેને ધ્યાને લઇ મોટી સંખ્યામાં ભાવિકો શિવપુજન, ધ્વજાપુજન કરી શકે તે માટે વિશેષ વ્યાવસ્થા કરવામાં આવી છે. સોમનાથ આવતા ભાવિકો માટે પરીસર આસપાસ દશ જ્યોર્તિલિંગ દર્શન-પ્રદક્ષીણા, સેલ્ફી પોઇન્ટ્સ, શિવરાત્રીનાં દિવસે સવારે ૧૧ થી ૧૨ પરીસર માં બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિતનાં કાર્યક્રમો વિશેષ આર્કષણનું કેન્દ્ર રહેશે. શિવરાત્રીને લઇ સોમનાથ મંદિર અને પ્રવેશદ્વાર ખાસ રંગબેરંગી લાઇટિંગથી ઝળહળતુ કરાશે. પરીસરમાં એલઇડી સ્ક્રીન થકી દર્શન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.