શહેરમાં ગત વર્ષે સ્વાઈન ફ્‌લૂના ૭૭૭ કેસ સામે આ વર્ષે બે મહિનામાં ૧૦૦૦થી વધુ કેસ, ૨૦ મોત

674

શહેરમાં સ્વાઇન ફ્‌લૂના ૭૭૭ કેસ નોંધાયા હતા, જેની સામે ચાલુ વર્ષે બે જ મહિનામાં સ્વાઇન ફ્‌લૂના પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૦૦ને પાર કરી ગઈ છે અને મૃત્યુઆંક ૨૦ થયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સ્વાઇન ફ્‌લૂનો આતંક ચાર વર્ષ પછી વકર્યાનું મ્યુનિ. હેલ્થ વિભાગના આંકડા દર્શાવે છે.

૨૦૧૫માં ફેબ્રુઆરી સુધીમાં સ્વાઇન ફ્‌લૂના કુલ ૧૫૦૦ પોઝિટિવ કેસ હતા. લોકોને સાવચેત રહેવા ગાઇડલાઇન પણ આપવામાં આવી રહી છે. અર્બન હેલ્થ સેન્ટરમાંથી ફ્રી દવાનું પણ વિતરણ કરાઇ રહ્યું છે. આમ છતાં સ્વાઇન ફ્‌લૂ બેકાબુ બન્યો છે. ૪૦થી વધુ ઉંમર અને બીજી કોઇ ગંભીર બીમારીથી પીડાતા લોકો માટે જોખમી બનતા સ્વાઇન ફ્‌લૂના ચાલુ વર્ષ અત્યાર સુધીમાં ૧૦૦૦ કેસ નોંધાઇ ચૂક્યા છે.

૨૦૧૫માં ફેબ્રુઆરી મહિના સુધીમાં સ્વાઇન ફ્‌લુૂના કુલ પોઝિટિવ કેસ ૧૫૦૦ નોંધાયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં ૭૩ કેસ અને વર્ષ ૨૦૧૭માં માત્ર સાત જ કેસ નોંધાયા હતા. રાજ્યભરમાં શનિવારે એક જ દિવસમાં સ્વાઇન ફ્‌લૂના નવા ૯૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં ૨૬ હતા. ત્યારબાદ સુરતમાં ૧૯, વડોદરામાં ૧૭ કેસ નોંધાયા હતા. જ્યારે સારવાર દરમિયાન બે વ્યક્તિના મોત નિપજ્યાં હતા.

વર્ષ ૨૦૧૯ના બે મહિનામાં રાજ્યામાં કુલ ૨૨૮૨ કેસ નોંધાયા છે. જે પૈકી હાલ ૮૩૧ લોકો હજુ સારવાર લઇ રહ્યાં છે.

દર વર્ષ કરતાં આ વર્ષે સમગ્ર વિશ્વ અને ટ્રોપીકલ એશિયન દેશોમાં ઠંડી વધુ પડી છે અને લાંબી ચાલી છે, તેમજ કમોસમી વરસાદ અને વાદળિયા વાતાવરણથી સ્વાઇન ફલૂનાં કેસમાં વધારો થયો છે.

ભેજવાળા વાતાવરણ અને ઠંડકમાં સ્વાઇન ફલૂનો વાયરસ એકથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરે છે, જેથી આ વર્ષે રાજ્યનાં વિવિધ શહેરોનાં કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઇન ફલૂનાં કેસમાં વધારો થયો છે.

Previous articleશિવરાત્રિ નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા જુદા જુદા કાર્યક્રમનું આયોજન
Next articleસાબરકાંઠામાં શિક્ષણની કથળતી સ્થિતિ ગ્રામજનોએ બાળકોને શાળામાં મોકલવાનું જ બંધ કર્યુ