મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એઇડ્સ કંટ્રોલ સોસાયટીના ૨૦૧૮ના ત્રીજા ક્વાર્ટરના એચઆઇવી પોઝિટિવ કેસોના ચોંકાવનારા આંકડા આપ્યા છે. શારીરિક સંબંધોથી ફેંલાતા રોગની સામે ઈન્જેક્શનથી બીમારી ફેલાઈ હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. જેમાં ઇન્જેક્શનથી ડ્રગ્સ લેનાર ૩૮૩ યુવાઓનો નિયમિત સંપર્ક કરી એચઆઇવી ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૨૮ યુવાનોએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંના ૪૫ યુવાનો એચઆઇવી પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. હવે તેમને ઓપીઓઇડ સબસ્ટિટ્યૂડ થેરોપી ર્(ંજી્) સાથે જોડવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ વિપક્ષ નેતા દિનેશ શર્માએ એઇડ્સ કંટ્રોલ સોસાયટી પાસે ૨૦૧૮ના છેલ્લા ક્વાર્ટરની કામગીરીની માહિતીની વિગતો માગી હતી. તેનો લેખિતમાં જવાબ આપતાં એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ જણાવ્યું હતું કે, એઇડ્સ કંટ્રોલ સોસાયટી પાસે ૨૬ આઇસીટીસી સેન્ટર અને ૫૧ એફઆઇસીટીસી સેન્ટરો ચાલુ છે. ત્રીજા ક્વાર્ટરમાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ૪૪,૬૬૯ લોકોના ટેસ્ટ કરાયા હતા.
એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ એચઆઇવીનું સંક્રમણ ઘટે અને જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રોજેક્ટ ચલાવે છે. જેમાં નિશ્ચિત સમુહ અંતર્ગત દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓ, સજાતીય સંબધ રાખતા પુરુષો અને ઇન્જેક્શનથી નશો કરતાં યુવાનોનો નિયમિત સંપર્ક કર્યો હતો. જેમાં ત્રીજા ક્વાર્ટરમાં દેહવિક્રય સાથે સંકળાયેલી ૧૮૭૬ મહિલાઓ, સજાતીય સંબંધ ધરાવતાં ૧૨૬૭ પુરુષો અને ઇન્જેક્શનથી નશો કરતાં ૩૮૩ યુવાનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
નિયમિત સંપર્કના અંતે વિવિધ ગ્રૂપ્સમાં આવતા લોકોને એચઆઇવી ટેસ્ટ માટે તૈયાર કરાયા હતા. જે પૈકી દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓ ૮૨૭, સજાતીય સંબંધ ધરાવતાં ૪૨૧ પુરુષો અને ઇન્જેક્શનથી નશો કરતાં ૧૨૮ યુવાનો ઉપરાંત ૪૧૩૯ વિવિધ સ્થળેથી આવેલા લોકોનો ટેસ્ટ કરાયો હતો. જેમાં દેહવ્યાપાર, સજાતીય સંબંધો અને સ્થળાતરિત થયેલા ૧૨ લોકોને એચઆઈવી પોઝિટિવ આવ્યો હતો. સાથે જ ચોંકાવનારા તારણો આવ્યા હતા અને ઈન્જેક્શનથી નશો કરનાર ૪૫ વ્યક્તિઓ એચઆઈવી હોવાનું બહાર આવ્યું હતું.