જમ્મુ કાશ્મીરના કુંપવારા જિલ્લાના હેન્ડવારામાં આતંકવાદીઓની સાથે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોને આખરે સફળતા મળી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી અથડામણમાં આજે બે અન્ય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. અલબત્ત આ અથડામણમાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થઇ ચુક્યા છે. આ એન્કાઉન્ટરમાં શહીદ થયેલાઓમાં સીઆરપીએફના ત્રણ જવાન અને જમ્મુ કાશ્મીર પોલીસના બે જવાનોનો સમાવેશ થાય છે. ભારતીય સેનાની નોર્થન કમાન્ડ દ્વારા પોતાના ટિ્વટમાં કહેવામાં આવ્યું છે કે, કુંપવારામાં ચાલી રહેલા ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. સંયુક્ત ઓપરેશન સફળરીતે પાર પાડવામાં આવ્યું છે. ત્રાસવાદીઓ ઘરમાં છુપાયેલા હતા.
સુરક્ષા કર્મચારીઓ એન્કાઉન્ટર બાદ શુક્રવારના દિવસે જ્યારે કાટમાણમાં તપાસ કરી રહ્યા હતા ત્યારે ત્રાસવાદીઓએ એકાએક નિકળીને ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં સીઆરપીએફની ૯૨ની બટાલિયનના તૈનાત ઉત્તરપ્રદેશના મોદીનગરના વિનોદકુમાર શહીદ થયા છે. વિનોદકુમાર શુક્રવારના દિવસે ત્રાસવાદીઓના ગોળીબારમાં ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ તેઓ શહીદ થયા હતા. વિનોદના ભાઈ રાજેન્દ્રએ કહ્યું હતું કે, તેમને શુક્રવારે મોડી રાત્રે જ શહીદ થયા હોવના સમાચાર મળ્યા હતા. બીજી બાજુ શુક્રવારના દિવસે જ અથડામણમાં બિહારના બેગુસરાય જિલ્લાના પિન્ટુકુમાર સિંહ શહીદ થયા હતા. હેન્ડવારામાં અથડામણમાં પિન્ટુકુમારને ઇજા થઇ હતી. ત્યારબાદ તેમનું ઇજાના કારણે અવસાન થયું હતું. પિન્ટુ ત્રાસવાદીઓ સાથે જોરદાર જંગ ખેલી રહ્યા હતા. બીજી બાજુ ત્રાસવાદીઓ સામે જોરદાર જંગ ખેલાયા બાદ આસપાસના વિસ્તારોમાં પણ સર્ચ કામગીરી ચાલી રહી છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરાયો હતો જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં જોરદાર નારાજગી જોવા મળી રહી હતી. આ નારાજગીના દોર વચ્ચે ભારતીય હવાઈ દળે પુલવામા એટેકનો બદલો લેવા પાકિસ્તાન કબજે હેઠળના કાશ્મીરમાં ઘુસી જઈને ભીષણ હવાઈ હુમલા કર્યા હતા. ભારતે ૧૨ વિમાનો મારફતે એક સાથે આતંકવાદી કેમ્પો ઉપર હુમલા કર્યા હતા જેમાં પુલવામા હુમલાની જવાબદારી લેનાર જૈશના અનેક આતંકવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા. અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.