શહેરનાં હાદાનગર વિસ્તારમાં રહેતો પરિવાર ત્રાપજ ગામેથી બાઈક પર ભાવનગર આવી રહ્યા હતા તે વેળાએ ભડી ગામ નજીક કારનાં ચાલકે બાઈકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક પીતા અને ૩ વર્ષની માસુમ પુત્રીનું મોત નીપજવા પામ્યુ છે જ્યારે પુત્રીની માતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાય છે કારમાંથી ઈગ્લીંશ દારૂની બોટલ બરામત થઈ છે જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાં વરતેજ પોલીસ સ્ટાફ દોડી જઈ બનાવ અંગેની તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં હાદાનગર વિસ્તારમાં રહેતા પરેશભાઈ રાજુભાઈ કડેવાળ તથા તેના પત્ની કૈલાશબેન અને ત્રણ વર્ષની પુત્રી નેહાબેન ત્રણેય બાઈક નં.જી.જે.૪ બી.પી.૩૯૭૧ પર ત્રાપજ ગામે તેમનાં સંબંધીના ઘરેથી પરત ફરી રહ્યા હતા તે વેળાએ ભડી ગામ નજીક પહોંચતા સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ કાર નં. જી.જે.૪ સી.જે. ૮૨૮૦નાં ચાલકે બાઈક સાથે ધડાકાભેર અકસ્માત કર્યો હતો.
અકસ્માત થતાં બાઈક પર સવાર પરેશભાઈ, કેલાશબેન અને તેમની માસુમ પુત્રી નેહાને ગંભીર ઈજાઓ થતાં પુત્રી નેહાનું સ્થળ પર જ કરૂણમોત નીપજવા પામ્યુ હતું. જ્યારે ઈજાગ્રસ્ત પરેશભાઈ અને કૈલાશબેનને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં પરેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યુ હતું. જ્ચયારે કૈલાસબેનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. બનાવની જાણ થતાં વરતેજ પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.
લોકોએ માનવતા નેવે મુકી…
ભડી ગામ નજીક કાર અને બાઈકનો ગમખ્વાર અકસ્માત થતાં ત્રણ વર્ષની બાળાનું સ્થળ પર મોત નીપજ્યુ હતું જ્યારે બાળાના માતા-પિતાને ગંભીર લોહીયાળ ઈજાઓ પહોચી હતી બનાવ બનતાં લોકોનાં ટોળા એકઠા થયા હતા અને પોતાના મોબાઈલ ફોન દ્વારા ફોટો વિડીયો કરવામાં વ્યસ્ત રહ્યા હતા એકાદ કલાક સુધી દંપત્તી રોડ પર તડપતું રહ્યું હતું. પણ કોઈએ તેમને હોસ્પિટલ ખસેડવાની તસ્દી લીધી ન હતી જેના કારણે ઈજાગ્રસ્ત પરેશભાઈને સારવાર મોડી મળતા તેમનું મોત નિપજ્યુ હતું. આ જોતા એવુ લાગે છે કે લોકોએ માનવતા નેવે મુકી દીધી છે.