સૌરાષ્ટ્રમાં ડુંગળીનો નવો પાક બજારમાં આવતા ખેડૂતોએ સરકાર પાસે ભાવવધારાની માગણી કરી છે. સરકાર ઓછામાં ઓછા સપોર્ટિંગ ભાવે ડુંગળીની ખરીદી કરે. હોલસેલ બજારમાં ડુંગળીનો ભાવ ૨૦ કિલોના ૫૦૦ રૂપિયા છે ત્યારે આ ભાવ અપૂરતા હોવાથી ખેડૂતોને નુકસાન થવાની દહેશત સતાવી રહી છે. જોકે ગત વર્ષ કરતા આ વર્ષે ડુંગળીનો ભાવ ઊંચો જવા પામ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહુવા અને ભાવનગરના ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોએ ડુંગળીના ભાવ સંદર્ભે દેખાવો કર્યા હતા. મહુવાના બજાર અધિકારીએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે ડુંગળીનો ભાવ વધારે છે. તેમણે જણાવ્યું હતું કે રોજની ૧૦૦૦૦ કિલો જેટલી નવી ડુંગળી બજારમાં આવે છે. ખેડૂતોએ સરકાર પાસે ચૂંટણી પહેલા મિનિમમ સપોર્ટિંગ પ્રાઈસની માગણી મૂકી હતી. સરકારે ઘોષણા કરી હતી કે તે અમુક પાક એમએસપી રેટમાં ખરીદશે એટલે ખેડૂતોએ ડુંગળીની માગણી કરી છે. બીજી બાજુ એપીએમસી અમદાવાદ બજારમાં રૂ. ૨૫થી ૩૫ના ભાવે ડુંગળી ખરીદવામાં આવે છે જે ૬૦ રૂપિયા કિલોના ભાવે બહાર વેચવામાં આવે છે.