સમસ્ત નાનાભાઈ ભરવાડ સમાજ દ્વારા સમસ્ત લોક કલ્યાણ અને સર્વ પિતૃ મોક્ષાર્થે ભાવનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ તથા મહા વિષ્ણુયાગનું આયોજન તા. ૭મી માર્ચથી તા. ૧૩મી માર્ચ-ર૦૧૯ દરમિયાન કરાયું છે.
આ કથામાં યુવાનોના લોકપ્રિય આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજય જીજ્ઞેશદાદા (રાધે રાધે) કેરીયાચાડવાળા ભાગવત કથાનું રસપાન કરાવશે. ભાવનગરમાં પ્રથમવાર એમની કથાનું મોટાપાયે આયોજન હોવાથી એમને સાંભળવા માટે ભાવિકોમાં ભારે ઉત્સુકતા છે.
આ કથા માટે શહેરના જવાહર મેદાન ખાતે ઉભા કરાયેલ વૃંદાવન ધામમાં ૧પ થી ર૦ હજાર ભાવિકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, આ ઉપરાંત આ બેઠક વ્યવસ્થામાં જ અલગ-અલગ જગ્યાએ શ્રોતાઓ માટે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન મુકવામાં આવનાર છે.
તપસીબાપુની વાડી ગુલિસ્તા ગ્રાઉન્ડથી સવારે ૮-૧પ કલાકે ભવ્ય પોથીયાત્રાનો પ્રારંભ થશે, આ પોથીયાત્રા મહારાષ્ટ્રના ખુબ જ પ્રખ્યાત એવા આવિસ્કાર બેન્ડના સથવારે શરૂ થશે અને આ પોથીયાત્રામાં ભાવનગરના વિવિધ સત્સંગ મંડળોની બહેનોની ભજન મંડળી જોડાશે.
આ પોથીયાત્રા દરમિયાન આકાશમાંથી પુષ્પવર્ષાનું આયોજન પણ કરાયું છે., આ રંગદર્શીય શોભાયાત્રા વૃંદાવન ધામ ખાતે પહોંચશે, જયાં જીજ્ઞેશદાદાની કથાના પ્રારંભ પહેલા આ કથામાં ઉપસ્થિત રહેલ યજમાન ચોહલા પરિવારના મણીબેન સોંડાભાઈ ચોહલા, કંકુબેન પાંચાભાઈ ચોહલા તથા પૂજય સંતો-મહંતોના હસ્તે દિપ પ્રાગટય કરાશે. કથા દરમ્યાન સાતેય દિવસ વૃંદાવન ધામ ખાતે ઉભી કરાયેલ યજ્ઞ શાળામાં મહા વિષ્ણુયાગ પંચકુંડી યજ્ઞ વિદ્વાન ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાશે. તા. ૧૧એ બ્રહ્મ ચોર્યાસીનું વિશેષ આયોજન કરાનાર છે. ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર સહિતના કલાકારો સંતવાણી અને ડાયરાની પ્રસ્તુતી કરશે. લક્ષ્ય ટીવી દ્વારા કથાનું જીવંત પ્રસારણ પણ થનાર છે. તેમ આજે પત્રકાર પરિષદમાં સમસ્ત નાનાભાઈ ભરવાડ સમાજ વતી આયોજક સંતોષભાઈ સોંડાભાઈ ચોહલા, ભરતભાઈ પાંચાભાઈ ચોહલા તથા શૈલેષદાદા પંડિત સહિતના અગ્રણીઓએ માહિતી આપી હતી.