ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરતમાં યોજાયેલા પાસના નેતા હાર્દિક પટેલના ભવ્ય રોડ શો મામલે સુરત કલેક્ટરે અહીંના પાંચ કોંગ્રેસ ઉમેદવારોને નોટિસ પાઠવી છે અને પૂછ્યું છે કે શા માટે હાર્દિકની રેલી પાછળ કરવામાં આવેલ ખર્ચને તેમના ચૂંટણી ખર્ચમાં દર્શાવવામાં નથી આવ્યો.
સુરત કલેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના આ પાંચ ઉમેદવારોને હાર્દિક પટેલની રેલી તેમજ પબ્લિક મિટિંગ દરમિયાન જમણવારથી લઈને અન્ય તમામ ખર્ચા કેમ દર્શાવ્યા ન હોવાનો પ્રશ્ન કર્યો છે. જો આ ઉમેદવારો દ્વારા સમયસર જવાબ આપવામાં નહીં આવે તો હાર્દિકની રેલીના સમગ્ર ખર્ચાને ભાગે પડતા પાંચેય ઉમેદવારના ખર્ચામાં એડ કરી દેવામાં આવશે.
આ પાંચ કોંગ્રસે ઉમેદવારમાં કતારગામના જીગ્નેશ જીવાણી, સુરત ઉત્તરના દિનેશ કાછડીયા, કામરેજના અશોક જીરાવાલા, કરંજના ભાવેશ ભુમ્ભાલિયા અને વરાછાના ધીરૂભાઈ ગજેરાનું નામ છે. આ તમામ ઉમેદવારો ચૂંટણીમાં પરાજય થયો છે અને તેમના પ્રતિદ્વંદી ભાજપના ઉમેદવાર અહીં જીત મેળવી છે.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હાર્દિક પટેલની રેલી પાછળ લગભગ અંદાજે રૂપિયા ૫ લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. રેલીને ધ્યાને રાખી આ એસ્ટિમેટ કાઢવામાં આવ્યું છે. ગત ૩ ડિસેમ્બરના રોજ પાસ દ્વારા સુરતમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કતારગામથી શરૂ કરીને વરાછા સુધી પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ફરી હતી. રેલીને પૂર્ણ કરાય તે પહેલા અને વચ્ચે રેલીમાં સામેલ તમામ લોકો માટે દાભોલી ખાતે આવેલા એક ફાર્મહાઉસમાં જમણવારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
કોંગ્રેસના ઉમેદાવાર દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે, અમે ઓફિસમાં બેઠા હતા અને હાર્દિક પટેલનો રોડ શો ત્યાંથી પસાર થયો ત્યારે એક પાટીદાર હોવાના સંબંધે મારે તેનું સ્વાગત કરવું જોઈએ. જોકે આ વખતે મેં કોઈ જાતનું કોંગ્રેસનું ચિન્હ પહેર્યું નહોતું. અમને ખબર જ હતી કે ચૂંટણી કમિશન આ પ્રકારના પ્રશ્નો ઉઠાવશે જેથી અમે પહેલાથી તૈયાર હતા. પંચને અમે અમારો જવાબ સબમીટ કરી દઈશું.
જોકે ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પાંચ ઉમેદવારને આ મુદ્દે આ પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેઓએ નોટિસનો કોઈ જવાબ આપ્યો નહોતો. તેથી આ વખતે ફરી એકવાર નોટિસ આપવામાં આવી છે.