ભારતને ૪૧ રને હરાવી ઈંગ્લેન્ડ સિરીઝમાં ૧-૦થી આગળ

446

ભારત અને ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ટી-૨૦ સિરીઝ ચાલી રહી છે. સિરીઝમાં ત્રણ મેચ રમાવાની છે. જેની પ્રથમ મેચ આજે (૪ માર્ચ) રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે ૪૧ રનથી પ્રથમ મેચ પોતાના નામે કરી લીધો છે. આ સાથે ત્રણ મેચોની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.

આ મેચમાં સ્મૃતિ મંધાનાએ ટીમની કમાન સંભાળી હતી. ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકસાન પર ૧૬૦ રન બનાવ્યા હતા. ભારતને ૧૬૧ રનનો લક્ષ્ય આપ્યો હતો. બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ૧૦ ઓવરની અંદર જ ભારતે ૫ વિકેટ ગુમાવી દીધી હતી.

ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન તમ્સીન બ્યૂમોન્ટે બનાવ્યા હતા. તેણે ૫૭ બોલમાં ૬૨ રન ફટકાર્યા હતા. બીજા નંબર પર હેદર નાઇટ રહી. તેણે માત્ર ૨૦ બોલમાં ૪૦ રન બનાવ્યા હતા. આ સિવાય ડેનિયલ વ્યાટે ૩૪ બોલમાં ૩૫ રનનું યોગદાન આપ્યું હતું.

તો ભારતના કોઈપણ બેટ્‌સમેન ૨૫થી વધુ રન બનાવી ન શક્યા. શિખા પાંડે ૨૩ રન સાથે ભારતની ટોપ સ્કોરર રહી હતી. મંધાના માત્ર ૨ રન બનાવી આઉટ થઈ હતી. મિતાલી રાજ માત્ર ૭ રન બનાવી શકી હતી.

મહત્વનું છે કે, આ પહેલા બંન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ હતી. જે ભારતે ૨-૧થી કબજે કરી હતી. શ્રેણીની બીજી ટી૨૦ મેચ ૭ માર્ચ અને ત્રીજી મેચ ૯ માર્ચે રમાશે.

Previous articleસ્મૃતિ મંધાનાનો વધુ એક રેકોર્ડ, ટી-૨૦માં બની ભારતની સૌથી યુવા કેપ્ટન
Next articleભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે નાગપુરમાં વનડે જંગ