શેરબજારમાં આજે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે કારોબાર બંધ છે. જો કે તમામ કારોબારી નવા કારોબારી સત્રમાં આવતીકાલે મંગળવારના દિવસે શુ રહેશે તેને લઇને ગણતરી કરી રહ્યા છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સાપ્તાહિક કારોબાર દરમિયાન શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. આગામી સપ્તાહમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. ગયા સપ્તાહમાં સેંસેક્સ ૧૯૨ પોઇન્ટ ઉછળીને અને નિફ્ટી ૭૨ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. આવતીકાલે કારોબારની શરૂઆત થશે ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં ઘટનાક્રમ ઉપર તમામની નજર રહેશે. ભારતીય ઇક્વિટી, કોમોડિટી અને ફોરેક્સ માર્કેટમાં આજે મહાશિવરાત્રિ પ્રસંગે રજા છે. કારોબારીઓના કહેવા મુજબ છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારના ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે તે જોતા ફરીવાર મોદીની જીતવાની શક્યતા વધી ગઈ છે. તે પહેલા અનિશ્ચિતતા દેખાઈ રહી હતી પરંતુ હવે ફરી એકવાર સ્થિર સરકારની શક્યતા દેખાઈ રહી છે. કઠોર પોલિસી નિર્ણય લેવામાં સક્ષમ સરકાર બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણા પણ યોજાનાર છે. આ સપ્તાહમાં જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની સમકક્ષ જિંગપિંગ મળનાર છે. આ બેઠક સફળ સાબિત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક ૭મી માર્ચના દિવસે યોજાનાર છે જેમાં આ વખતે રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. ઇસીબીની બેઠક પહેલા ડઝન જેટલા યુરો ઝોનમાં સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. ઇસીબીની બેઠકમાં યુરોઝોન અર્થતંત્રને મજબૂત બનાવવા નક્કર પગલા લેવામાં આવી શકે છે. બીજી બાજુ ફેબ્રુઆરી મહિના માટેના પીએમઆઈના આંકડા આવતીકાલે મંગળવારના દિવસે જારી કરાશે. ક્રૂડની કિંમત શુક્રવારના દિવસે બે ટકા સુધી ઘટી ગઈ હતી. આની સાથે જ એક સપ્તાહના ગાળામાં આશરે ત્રણ ટકા સુધીનો ઘટાડો થયો હતો. વૈશ્વિક માંગણીને ધ્યાનમાં લઇને ચિંતા વધતા કિંમતોમાં ઘટાડો થયો છે. વિદેશી મૂડીરોકાણકારોએ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય શેરબજારમાં આશરે ૧૭૭૨૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. આ મૂડીરોકાણ નવેમ્બર ૨૦૧૭ બાદ સૌથી વધારે છે. વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારો દ્વારા નવેમ્બર ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં ૧૯૭૨૮ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું. ડિપોઝિટરીની પાસે હાલમાં ઉપલબ્ધ આંકડાઓના કહેવા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં ૧૧૭૮૯૯.૭૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. શેરબજારમાં મંગળવારના દિવસે નવા કારોબારની શરૂઆત થનાર છે.