શહેરનાં સેક્ટર ૩, ૭ અને ૨૯માં BSNLના નવા ટાવર બનાવાશે

611

ગાંધીનગરમાં બીએસ એનએલના મોબાઇલ ફોનમાં કનેક્ટિવીટીની સમસ્યાએ નવી વાત નથી પરંતુ આગામી દિવસોમાં તેનો અંત આવશે. કેમકે સેક્ટર-૩, ૭ અને ૨૯માં નેટવર્ક માટેના નવા ટાવર લગાવવાની મંજૂરી મળી ગઇ છે. તેમાં સેક્ટર-૩ અને ૨૯માં ઝડપથી કામગીરી શરૂ કરાશે. પરંતુ સેક્ટર-૭માં જગ્યા ઉપલબ્ધ નહીં હોવાથી તેના માટે સરકારમાં દરખાસ્ત કરવાની સાથે ખાનગી વ્યક્તિઓનો સંપર્ક પણ કરવામાં આવશે. તેમ ડિવિઝનલ સૂત્રોએ જણાવ્યું છે. આ મામલે લાંબા સમયથી રજૂઆતો થતી હતી. દર છ મહિને યોજવામાં આવતી ટેલિકોમ અદાલતમાં મહામંડળે આ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતાં. જે પૈકીના આ મહત્વના પ્રશ્નનું નિરાકરણ આવી ગયુ છે.  દિલ્હી ટેલિકોમ મંત્રાલયમાંથી આ મુદ્દે લીલીઝંડી આપી દેવામાં આવી છે અને ટુંક સમયમાં કામગીરી શરૂ કરી દેવાશેે. દરમિયાન છ મહિનાને બદલે ત્રણ મહિને ટેલિકોમ અદાલત યોજવા, ટેલિફોન ઇન્કવાયરીમાં ગાંધીનગરના નંબર મળે તે માટે તે વ્યવસ્થા અપડેટ કરવા, ટેલિફોન જોડાણના બોક્સ બદલીને વાયરિંગ વ્યવસ્થિત કરી આપવા સહિતના સૂચનો ધ્યાને લેવામાં આવશેે. અધિકારી સૂત્રોએ જણાવ્યું કે ગાંધીનગર નજીકના ખોરજ ગામમાં પણ મોબાઇલ નેટવર્ક માટે નવો ટાવર લગાડવાની મંજૂરી મળી છે. અહીં પણ સરકારી અથવા ખાનગી જગ્યા મેળવવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઈ છે. ગાંધીનગર ડિવિઝનમાં લેન્ડ લાઇન ટેલિફોન બંધ થવાના કિસ્સામાં નવી કોમ્પ્યુટરાઇઝ્‌ડ સુવિધા શરૂ કરવામાં આવી છે. કોઇપણ ફોન બંધ થયા પછી ૧૫ દિવસ સુધી બંધ રહેશે તો આપોઆપ જ તેની કમ્પલેન નોંધાઇ જશે. આ ઉપરાંત તે સમય ગાળાનું બિલમાં વળતર આપવા માટે પણ તંત્ર વિચારશે.

Previous articleકુંભ : શિવરાત્રી પર્વ પર સંગમમાં કરોડો શ્રદ્ધાળુની આસ્થાની ડુબકી
Next article૩૦ માર્ચ સુધીમાં લોકો નાણાની ભરપાઈ નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે