૧૫ વર્ષ અગાઉ શાહીબાગની એસઆરપી ઓફિસમાં દારૂ પી છાકટા બનેલા એસઆરપી જવાને સહકર્મીઓને ગાળો બોલી હતી, જે કેસમાં એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એન.પી.રાડિયાએ ૧ મહિનો સિવિલમાં સફાઇ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે આરોપી કટારિયાને પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬ (૧) હેઠળ દોષિત ઠરાવ્યા હતા. પરંતુ તેમને કેદની સજાને બદલે સમાજની સેવા કરવા માટેનો હુકમ કર્યો હતો.
સહકર્મીઓને બીભત્સ ગાળો ભાંડીઃ શાહીબાગ ઘોડા કેમ્પ ખાતે આવેલ એસઆરપી ઓફિસમાં કોન્સ્ટેબલ તરીકે ગોરધન કટારિયા ફરજ બજાવતા હતાં. કટારિયા ૨૦ ડિસેમ્બર ૨૦૦૪ના રોજ બપોરે ૨ વાગે દારૂ પીધેલી હાલતમાં ફૂલ નશામાં ઓફિસમાં હતાં. અને તેઓ કમાન્ડરની ઓફિસ સામે બેરેક નંબર- ૮ની આગળ સહકર્મીઓને બીભત્સ ગાળો ભાંડતા હતાં. કટારિયાને સહકર્મીઓ સમજાવતા હતાં. તેમ છતાં તે સહકર્મીઓને ધમકીઓ આપી મનફાવે તેવું વર્તન કરતા હતાં. આથી પીએસઆઇ એ.બી. સિસોદિયાએ કટારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટે ૧ મહિના સફાઈ કરવાનો આદેશ કર્યોઃ પોલીસે કટારિયાની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. આ કેસ કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. કોર્ટે સરકારી વકીલની દલીલો, સાક્ષીઓની જુબાની સહિતની કોર્ટ કાર્યવાહી પૂરી થઇ હતી. કોર્ટે આરોપી કટારિયાને દોષિત ઠરાવી ૧ મહિનો સિવિલમાં સાફસફાઇ કરવાનો આદેશ કર્યો હતો.