અમદાવાદના બજારમાં કેરીનું આગમનઃ પ્રતિકિલો રૂ.૪૦૦ સુધીનો ભાવ

701

રાજ્યભરમાં આંબા ઉપર અત્યારે આમ્રમંજરીનું સામ્રાજ્ય છવાયું છે ત્યારે અમદાવાદનાં બજારમાં હાલમાં વિવિધ જાતની કેરીનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતની કેરીની આવક બજારમાં જોવા મળતાં કેરીના સ્વાદરસિયાઓ ખુશ છે. હાલમાં બજારમાં મળતી કેરીનો ભાવ રૂ ૩પ૦ થી ૪૦૦ પ્રતિકિલો હોવા છતાં તેનું વેચાણ થઈ રહ્યું છે.

દક્ષિણ ભારતની લાલબાગ કેરી તો મહારાષ્ટ્રની રત્નાગીરી પણ બજારમાં આવી ચૂકી છે. ગુજરાતમાં પાકતી કેરીની ખાખડી પણ અત્યારે રૂ. ૧પ૦ પ્રતિકિલોના ભાવે વેચાણ થઈ રહી છે. અમદાવાદનાં બજારમાં એક મહિના પછી બદામ કેરી સહિત અનેક પ્રકારની કેરી મળતી થશે. અમદાવાદીઓની માનીતી કેસર કેરીનો સ્વાદ માણવા માટે હજુ બે મહિના રાહ જોવી પડશે.

આ વર્ષે વધુ પડતી ઠંડી અને વાતાવરના વારંવારના પલટાના કારણે એકંદરે કેરીનો પાક ૨૫ ટકા જેટલો ઓછો રહેવાનો અંદાજ છે. પહેલી મે પછી અમદાવાદમાં રોજની ત્રણ લાખ કિલો કેસર કેરી બજારમાં આવવાની ગણતરી છે, જે ૧૫ મેેએ લગભગ પાંચ લાખ કિલો થશે.

ધી અમદાવાદ ફ્રૂટ મર્ચન્ટ્‌સ એસોસિયેશનના ચેરમેન લક્ષ્મણભાઇ રોહરાએ જણાવ્યું છે કે અત્યારે અમદાવાદમાં બહારનાં રાજ્યની કેરીની ધીમી આવક શરૂ થઈ છે, પરંતુ આ કેરી અધકચરી હોવાથી તે ખાવામાં મજા આવતી નથી.ટૂંક સમયમાં કેરાલાની આફૂસ, સુંદરી અને પાયરી ત્રણેય કેરીઓ બજારમાં મળતી થશે.

Previous articleનવા વર્ષથી ધો.૧૦-૧૨ના ભાષાના વિષયોમાં NCERT પુસ્તકો લાગુ થશે
Next article૯મેએ બદરીનાથ-કેદારનાથ મંદિરના કપાટ ખૂલશે