અમદાવાદ : જાસપુર ઉમિયાધામના ભૂમિપુજનનું ખાતમુહર્ત કર્યા બાદ પીએમ મોદીએ ગુજરાતની પ્રથમ મેટ્રોનું ઉદધાટન કર્યું. ત્યારબાદ તેમને મુકબધિર બાળકો સાથે મેટ્રોની મુસાફરી કરી હતી. તેમની સાથે રાજ્યપાલ ઓ.પી. કોહલી, વિજય રૂપાણી અને નીતિન પટેલે પણ મેટ્રોની મુસાફરી કરી હતી. તેમણે વસ્ત્રાલથી નિરાંત ચોકડી સુધી ૮૦૦ મીટરની મુસાફરી કરી હતી. વસ્ત્રાલ પહોંચીને મોદીએ મેટ્રોના તમામ રૂટનું નિરીક્ષણ પણ કર્યું હતું. જો કે ૬ માર્ચથી સામાન્ય લોકો મેટ્રોમાં મુસાફરી કરી શકશે. વડાપ્રધાન મોદીએ મેટ્રોમાં બેસીને મુસાફરી પણ કરી. હાલ પ્રથમ તબક્કો વસ્ત્રાલ ગામ થી એપરલ પાર્ક સુધી શરૂ કરાયો છે. પ્રથમ તબક્કામાં વસ્ત્રાલ ગામથી શરૂ થઈને વસ્ત્રાલ, નિરાંત ચોકડી, રબારી કોલોની, અમરાઈ વાડી અને એપરલ પાર્ક એમ કુલ ૬ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ મેટ્રો ટ્રેન સંપૂર્ણ ઓટોમેટેક સંચાલિત છે. જોકે ટ્રેન પાયલટની હાજરી રહેશે. જ્યારે ઉદ્ધાટનમાં વડાપ્રધાનની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. મેટ્રોમાં પેસેન્જરોની સુરક્ષા પર ભાર મુકાયો છે. કોઈ પેસેન્જર નીચે ટ્રેક પર ન પડે તે માટે દરેક પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ સ્કીનગાર્ડ લગાવાશે. જે ટ્રેન આવશે ત્યારે જ ખુલશે અને પેસેન્જર ટ્રેનમાં બેસી ત્યાર બાદ ઓટોમેટિક બંધ થઈ જશે. આ ઉપરાંત મેટલ ડિટેક્ટર, સ્કેનર મશીન પણ લગાવાશે. ટિકિટ લીધા વગર કે ટિકિટમાં દર્શાવેલા સ્ટેશનથી આગળની મુસાફરી નહીં કરી શકાય. દરેક સ્ટેશને ઓટોમેટિક ફેર કલેક્શન ગેટ લગાવાશે. જ્યાં ટિકિટ સ્કેન કર્યા બાદ આ ગેટ ખુલશે. દરેક સ્ટેશનના બંને છેડે ૩-૩ ટિકિટ બારી તેમજ ૨-૨ ટિકિટ વેન્ડિંગ મશીન મુકાયા છે. આ ટ્રેન પ્રથમ તબક્કામાં ઈસ્ટ -વેસ્ટ કોરીડોરમાં હાલ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના ૬.૫ કિમી રૂટ પર મેટ્રોનું સંચાલન શરૂ કરવામાં આવશે. મેટ્રો ટ્રેનના ભાડાની જાહેરાત પણ આજે થાય તેવી શક્યતા છે.