બાળપણમાં આંખોની કોઈ અગમ્ય કારણોસર એકાએક દૃષ્ટિ ગુમાવી. પરંતુ બચુદાદાના સંવાદની સરગમે એવી તો સુરાવલી છેડી કે જીવનમાં છવાયેલાં કાળા અંધકારનાં વાદળો વચ્ચે પણ સંવેદનાનો મધુર વરસાદ વરસ્યો. પરિવારની હાલત એક સાંધતાં તેર તૂટે તેવી હોવા છતા કોઈ ભેદી શક્તિ વડે જીવાદોરી ચાલતી હતી. ગુજરાતી કહેવત મુજબ ‘દૂબળાને બે જેઠ મહિના’ હોય તેમ આવેલા આંખોનાં અંધાપાને સમજું તે પહેલા જ ઇશ્વરે માતાનું છત્ર પણ છીનવી લીધું.
પણ પેલી પંક્તિ મુજબ
‘હૈ માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવુ છું,
આ દુનિયામાં ઇચ્છાથી હું, અવતાર ધરીને આવું છું…
હૈ માનવ વિશ્વાસ કરીલે સમય બની સમજાવું છું.’
ખરેખર, મારા જીવનમાં ઉપરની કાવ્ય પંક્તિઓ મુજબ બચૂદાદાને ઇશ્વરે પોતાનું કાર્ય સાંગોપાંગ પાર પાડવા જાણે પૃથ્વી પર મોકલી આપ્યા હોય તેમ બચૂદાદા મારા ઘડતર માટે મારા જીવનમાં આવ્યા. તેમણે મને અનેક જીવનલક્ષી બાબતોનું શિક્ષણ માતાની ગેરહાજરીમાં આપી થોડો પિતાનો ભાર હળવો કર્યો. બચૂદાદા અને પિતાશ્રી વચ્ચે ચાલતાં મીઠા સંવાદે મને માનવતાના માર્ગે ચાલતાં શિખવ્યું. હું, આ સંવાદમાંથી એટલુ જરૂર શીખી શક્યો છું કે ‘પોતીકી અગવડ કે સમસ્યા નાનકડાં તણખલાં સરખી જાણવી, પણ અન્ય માટે તો તે પહાડ સમી ગણી કામ કરતા રહેવું.’ – એ જ જીવનની ખરી સાર્થકતા છે. આ મંત્રના કારણે મારા અંતરમનમાં સંવેદનાની સરગમના સૂરોનો નાદ વિચારોના વાદ્યોમાંથી સ્પંદનોની પાંખે નિતરતો રહેતો હતો. આકાશમાં વીજળીના ચમકારાંની જેમ મારી શિક્ષણયાત્રા પણ પુરી થઈ. શિક્ષકોના વાત્સલ્ય, પ્રેમના કારણે આવેલા નાના-મોટા અવરોધોને હું શાળા સમય દરમિયાન ધીરજથી ખાળી શક્યો.
શિક્ષણ પૂરું કરી સત્ત્વરે નાની-મોટી નોકરી પર લાગી સ્થાપિત થવાની તીવ્ર મંશા હોવા છતાં તેમ થઈ શક્યું નહિ તેથી એમ કહી શકાય. ઇશ્વરની ઇચ્છા વિના પાંદડું ય ફરકતું નથી. એટલા માટે તો આપણા આદી કવિ નરસી મહેતા ગાય છે. ‘હું કરું… હું કરું… એ જ અજ્ઞાનતા, જેમ સકટનો ભાર સ્વાન તાણે,’ મેં ઘણી વેળાએ આવો ગૌરવ લીધાનું હું કબૂલું છું.
જો જીવન સંસારસાગર તરવાની નાવ હોય તો મારી નાવ ચલાવવા બચૂદાદા જેવા અનેક નાવિકનો ભયાનક તોફાનમાં સંસારસાગરમાં સંપડાયેલી મારી નાવને પાર ઉતારવા મને ટેકો મળતો રહ્યો છે. આ બધા ફરિસ્તાઓના સહકારથી જ મારું સિંચન થયું હોવાથી હું વિચારોના વાદ્યોમાં છેડાતાં સુરોની સુરાવલીમાંથી ગુંજતો સંગીતમય સંવેદનાનો શિતળનાદ માણી તેમજ જાણી શક્યો છું. આ સંવાદના પરિણામે હું, માનવ હૈયામાં હીલોળા લેતા સાગરની ઊંડાઈ સુધી પહોંચી મૂલ્યવાન સંવેદનાના સાચા રત્નો પારખી શોધી શક્યો છું. આ વાતને વધુ સમજવા માટે મને એક પ્રસંગ આપ સૌ સમક્ષ મૂકવાનું મન થાય છે.
ભાંગલી ગેટ પાસે ભરવાડના ભાડાના મકાનમાં ચાલતી શ્રી અંધ અભ્યૂદય મંડળની ઓફીસમાં એક મોટી ઉંમરના માજી એક પછી એક ચારેક પગથિયા ચડી પ્રવેશે છે. ‘અરે… ઓ… શાંતિદાદા આવુ કે?’ આ સાંભળતા જ શાંતિદાદા બોલી ઉઠ્યાઃ આવોને ભાઈ… અમે તો બેઠા જ છીએ. તે આગળ બોલ્યાઃ કહો શું હતું? માજીએ વળી આગળ ચલાવ્યું, મારે નવો એસ. ટી. પાસ કઢાવવાનો છે. દાદાએ કહ્યું; બે પાસપોર્ટ ફોટોગ્રાફ, અંધત્વનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ અને તમારો જુનો એસ. ટી. પાસ પણ જમા કરાવવો પડશે.
આવેલા અંધ અભણ માજીએ દાદાની સુચના મુજબના લગભગ બધા આધારો ટેબલ પર મૂક્યા. પણ તેમની પાસે તેમનો ફોટોગ્રાફ એક જ હોવાથી તેમણે તેની એક કોપી આપી અને તેઓ બોલ્યા પાસમાં લગાવવા એક કોપી મેં આપી છે તે લગાવી મને પાસ કાઢી આપો.
દાદાએ કહ્યુંઃ ફોટોગ્રાફ બે ફરજીયાત આપવા પડશે. પાસની એક નકલ અમારે તૈયાર કરી એસ. ટી. વિભાગને પહોંચાડવાની હોય છે.
આ સાભળી માજી થોડીવાર સાવ શાંત બેસી રહ્યા. એટલે વાતનો દોર મેં હાથમાં લઈ માજીને કહ્યું કે વધુ એક ફોટો આપો તો તમારો પાસ તૈયાર કરવાનું કામ શરૂ કરી શકાય. હવે માજી થોડા, ખાખાં-ખોળા કરી ગુસ્સે થઈ… હા, લો… ‘આ ફોટો રોજ અગરબત્તિ કરજો.’ તમને સરકાર કોથળા ભરીને રૂપિયા આપે છે તોય ધરાતા નથી. તમારી ઓફીસના કેટલા પગથિયા રાખ્યા છે? ગઢા માણસનો થોડો વિચારતો કરતાં હો!
માજીના મક્કમ અવાજમાં સચ્ચાઈ ભારોભાર ટપકતી હતી. તેના મગજમાં સરકારી અધીકારીઓ દ્વારા થતા દુરવ્યવહાર સામેનો આક્રોશ દેખાતો હતો. તેને ક્યાં ખબર હતી કે આ કોઈ સરકારી ઓફીસ નથી. આ ઓફીસ તો મંડળે સ્વખર્ચે અંધ ભાઈ-બહેનોને મદદ કરવાના હેતુથી ખોલી છે. વળી, મંડળ આવા લોકોના વિકાસ માટે જોળી ફેરવી-ફેરવી લોકફાળો ભેગો કરી કામ કરે છે. આવી બાબતે ઊભો થતો અસંતોષ મેં ઘણી જગ્યાએ જોયો છે. લગભગ દરેક જગ્યાએ માજી જેવી અજ્ઞાનતાના કારણે અનેક અનર્થો વખતો-વખત ઊભા થતા જોવા મળ્યા છે. લાભાર્થી તેને મળતી સેવાને અધિકાર સમજી બેસે છે. જ્યાં અધિકાર રાજ કરવા લાગે છે ત્યા સેવાની શેષ ઊડી જાય છે. આવા સંજોગોમાં સંવેદનાનું સત્વ લગભગ સુકાય જતું હોય છે.
અંધારી અમાસની રાત્રે આકાશમાં જોવા છતાં પણ આપણે ચંદ્ર શોધી શકતા નથી તેમ ‘ફરજ અને અધિકાર’ વચ્ચે બનતું હોય છે. આ બધી સત્ય હકીકતોથી અંધજનોને માહિતગાર કરવા મને મંડળના માધ્યમથી કામ કરવાની તાકી જરૂરીયાત લાગી. મનોમન સંકલ્પ કર્યો ‘કે આજીવન નોકરી નહિં કરુ, પણ બેરોજગાર, અભણ, પિડીત કે અસહાય અંધ ભાઈઓ અને બહેનો માટે કામ કરતો રહીશ.’ મને હંમેશા લાગ્યું છે આપણા દેશના લાભાર્થીઓનું આવું માનસ શા માટે બની જતું હશે. તેનો ઉત્તર મારા આંતરમને એમજ આપ્યો છે ‘માનવતાની મહેક મહેકાવવા માનવે જાતે મહેકવુ પડશે.’ એટલે જ કદાચ મારો નાનકડો દિવાના કોડિયા સરખો પ્રયાસ અન્યાય પામેલા અંધજનો અને વિકલાંગોને રાજકિય તેમજ સામાજિક રીતે ન્યાય અપાવવા માટે રાત્રીનો અંધકાર ઉલેચવા જેમ ચંદ્ર પોતાની શિતળતા પાથરી યત્ન કરે છે, તેમ હું કરી રહ્યો છું. મને આશા છે કે- હું તેમાં જરૂર સફળ થઈશ. મારુ માનવું છે કે ઇશ્વર દરેક જીવોને પોતપોતાનો અલગ-અલગ રોલ સોંપી આ જગતમાં મોકલે છે. જે જીવાત્મા સંસારરૂપી મંચ પર પોતાને ભજવવા આપવામાં આવેલો રોલ યોગ્ય અભિનય સાથે ભજવવામાં નિષ્ફળ નીવડે છે તેવા પ્રત્યેક જીવાત્માને સુખ કે શાંતિના મૂલ્યવાન પૂરસ્કારથી વંચિત રહેવું પડે છે.
અંધ અભ્યૂદય મંડળ મારી સેવાક્ષેત્રની પાઠશાળા હોવાથી મને આ સંસ્થામાં એસ. ટી. પાસ કઢાવવા આવેલા માજી જેવા અનેક લાભાર્થીઓને મળવાની સોનેરી તક સાંપડી હતી. જેના કારણે હું, સંવેદનાની પવિત્ર ગંગામાં ધૂબકા મારી નાહી શક્યો છું. આ પવિત્ર જળના સ્પર્શે મારી કાયાને ધન્ય બનાવી છે. લાખણકાના એક અંધ દાદા દર મહીને મારી પાસે આવી કહેતા ‘થોડી કાચી ખિચડી આપો, તો જાતે બનાવી મારા પેટનો ખાડો પૂરું, તમારે ક્યાં ખોટ છે. આ મોંઘવારીમાં છોકરા બીચારા ક્યાથી અમારી જેવા ગઢ્ઢા-બૂઢ્ઢાને રાખી શકે.’ મેં એકવાર દાદાને પૂછ્યુંઃ દાદા, કેટલા દીકરા છે? દાદા કહેઃ ભાઈ દીકરા તો ત્રણ છે, પણ બે બહારગામ મજૂરી કરવા ગયા છે મોટો એક ગામમાં જ રહે છે. પણ…! પણ…! મેં કહ્યુંઃ પણ શું? તમને તે દીકરો રાખતો નથી એમજ ને? ના… ભાઈ… ના… રાખે તો છે પણ વોવ થોડી માથાભારે છે. કોઈવાર ગમે તેવું બોલે, કે પછી ગમે તે ચીજવસ્તુનો કોઈવાર મારા પર ઘા કરી, બૂમા-બૂમ કરી ગામ ભેગું કરી મને ઠપકો ખવડાવે છે કે દાદા જાતે ધમપછાડા કરી લોહી-લૂહાણ થાય છે. હવે મારે કયા ડૉક્ટર પાસે તેને લઈ જવા? આવેલા લોકો મને જ થોડો ઠપકો આપી સૌ-સૌના ઘરે જતા રહે છે. એટલે હું, એકલો જ નાના છોકરાના ખાલી પડેલા ઘરે જાતે હું જે મળે તે રાંધીને ખાય-પીયને ભગવાનનું ભજન કરતા-કરતા મારી જિંદગી જીવું છું.
તમેજ કહો, આવી વ્યથા-કથાની અસર થયા વિના શી રીતે રહે? મંડળમાં આવતા મોટાભાગના અંધજનો પીડિત અને અશિક્ષીત હતા તેથી તેઓ થોડો અવિવેક જરૂર કરતા, પણ લાગણીશીલ તો હતા જ. “લાગણી” શબ્દ મને ખૂબ ગમે તેથી તેનો અર્થ સમજવા મેં ઘણી મથામણ કરી, ઘણી પળોજણ કર્યા પછી મને ખબર પડી કે “લાગણી” એ તો અનુભૂતી છે. તેથી તો લાગણી હકારાત્મક અને નકારાત્મક એમ બન્ને હોય શકે છે. પણ જ્યારે આપણે અન્યની ચિંતા કરી વેદના અનુભવી શકવા સમર્થ બનીએ છીએ. ત્યારે આપણામાં સંવેદના જન્મે છે અને તે જ પળે આપણા હૃદયમાં ખરી માનવતાનો પારિજાત છોડ ઊગી નીકળે છે. એટલુ જ નહિ, તે ખરી માનવતાની મહેક બની મહેકી ઊઠે છે.
બીજા શબ્દોમાં કહીએ તો સાચી લાગણી ‘ભાવ’ નામના પુત્રને જન્મ આપે છે અને તમારા અંતરમાં અન્ય લોકો કે પ્રાણીઓ પ્રત્યે અપારપ્રેમ જાગે છે. જેના લીધે તમારું વ્યક્તિત્વ સંવેદનશિલ બને છે. “ભાવ” હંમેશા હકારાત્મક હોય છે જેઓ જાગેલી લાગણી પર નિયંત્રણ રાખી સંતુલન સાધી શકે છે તેઓ જ પોતાના હૃદયમાં “ભાવ” નામના પુત્રને જન્મ આપી શકે છે. જેના હૃદયમાં “ભાવ” પરિપક્વતાને પામે છે તેના દિલમાં માનવતાનો પારીજાતનો છોડ ઊગી નીકળે છે અને સંવેદનાની સરગમ જીવનરૂપી સંગીતને મધૂરતાની મેહફીલ આપી ભરી દે છે.