અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે પ્રશસ્ય પ્રારંભ કરાવ્યો છે. દેશના ગરીબ-પીડિત-શોષિત- મજૂરોની સરકાર તરીકે કેન્દ્ર સરકાર કાર્યરત છે અને તેના પગલે ‘આપણી સરકાર’ ની પ્રતિતિ પ્રજાને થઇ રહી છે. આજનો દિવસ શ્રમિક દિવસ તરીકે ઓળખાશે. ૯૦ ટકા અસંગઠિત શ્રમિકો માટે આજનો દિવસ સોનાનો છે. આ વર્ગના લોકોની સુરક્ષા માટે આજ સુધીની સરકારોએ ચિંતન કે ચિંતા કરી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટે ચિંતા સેવી છે એટલું જ નહીં દેશમાં અમલી બનાવાયેલી આયુષ્યમાન, જનધન જેવી સંખ્યાબંધ યોજનાઓમાં આ કલ્યાણકારી યોજના ઉમેરાઇ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, દેશના શ્રમિકોના કલ્યાણની ચિંતા કરીને વડાપ્રધાનએ ગરીબ-પીડિત વર્ગ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દલિત, કિસાન, શોષિત માટે રાજનીતિ કરનારા લોકો સાંભળી લે કે, અસંગઠિત ક્ષેત્રના લોકો માટે યોજનાને કાર્યાન્વિત કરી અશક્યને શક્ય કર્યું છે. વડાપ્રધાન ઇંટનો જવાબ પથ્થરથી આપનારા પુરૂષ તરીકે દેશભરમાં પ્રસ્થાપિત થયા છે તેમ તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રિય મંત્રી સંતોષકુમાર ગંગવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષથી સત્યમેવ જયતે જેટલો જ ખ્યાલ શ્રમેવ જયતે નો રાખ્યો છે. અસંગઠિત ક્ષેત્રના લોકોને જીવનની સંધ્યાકાળે ગરીબી, નિરાશા અને અસુરક્ષિતતા ન અનુભવી પડે અને છેવટનું જીવન ગૌરવમય રીતે પસાર થાય તે માટે શ્રમિક માનધન પેન્શન યોજના ખૂબ જ ઉ૫યોગી બની રહેવાની છે.